- સરકાર પોતાની નિષ્ફળતાથી ધ્યાન ભટકાવી રહી છે
- કોંગ્રેસ પ્રમુખનો પ્રશ્ન- ‘શું લીંબુ, દૂધ અને અનાજ યુક્રેનથી આવે છે?’
- ભાજપનો પલટવાર, ‘જગદીશ ઠાકોર આરોપીઓને છાવરી રહ્યાં છે’
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી ડૉ રઘુ શર્માએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં રામનવમીના પર્વે ગુજરાતના વિવિધ ભાગોમાં થયેલી અથડામણ અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
જગદીશ ઠાકોરે આરોપ લગાવ્યો છે કે, સત્તામાં બેઠેલા કેટલાક લોકોએ તોફાન કરાવ્યા છે. સરકાર જ્યારે નિષ્ફળ જાય છે, ત્યારે મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે આવા બનાવો બને છે.
ખંભાત અને હિંમતનગરમાં રામનવમીના પર્વ પર થયેલી હિંસાના અંગે કોંગ્રેસ પ્રમુખે સવાલ કર્યો હતો કે, આવા બનાવો બનતા પહેલા કેમ સરકાર રોકી શકી નહી. હિંસા પાછળ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કનેક્શન હોવાનું કહેવામાં આવે છે. જો તમે કોંગ્રેસ નેતાઓના ફોન ટેપ કરો છો, તો પછી આ હિંસા પાછળ જવાબદાર વિદેશીઓના ફોન કેમ ટેપ ના કર્યાં? મસ્જિદની બહાર બીજા ઝંડા કોણે લગાવ્યા?
આ સાથે જ જગદીશ ઠાકોરે હિંસા મામલે તટસ્થ તપાસ કરાવવાની માગ કરવા સાથે જ સીસીટીવી ફૂટેજની મદદથી તેમજ ફોન કોલની મદદથી જે લોકો આ કૃત્ય પાછળ સંડોવાયેલા છે, તેમની ધરપકડ કરવાની માંગ કરી છે.
આટલું જ નહીં સતત વધી રહેલી મોંઘવારી મુદ્દે વર્તમાન સરકારને આડેહાથ લેતા જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ઉત્પાદકોને યોગ્ય ભાવ નથી મળી રહ્યાં. સતત ભાવ વધારા માટે ભાજપના મંત્રીઓ યુક્રેન-રશિયાના યુદ્ધને જવાબદાર ઠેરવે છે, તો શું લીંબુ, દૂધ અને અનાજ યુક્રેનથી આવે છે?
ભાજપના શાસનમાં 25 વર્ષથી કોઈએ કરફ્યૂ નથી જોયો
જગદીશ ઠાકોરના આરોપ પર ભાજપના મીડિયા કન્વિનર યગ્નેશ દવેએ પલટવાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં છેલ્લા 25 વર્ષથી કોઈએ કરફ્યૂ નથી જોયો. કોંગ્રેસના શાસનમાં દર 3 મહિને કરફ્યૂ રહેતો હતો. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર આરોપીઓને છાવરી રહ્યાં છે. તેઓ કોને બચાવવા માંગી રહ્યાં છે? તે તેમણે સ્પષ્ટ કરવું જોઈએ.
