લંડન ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉજવાયેલ સ્નેહમિલન કાર્યક્રમે વિશ્વ ઉમિયાધામના ભવ્ય નિર્માણ કાર્યને એક ઇન્ટરનેશનલ એનર્જી આપી છે. અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના જગત જનની મા ઉમિયાના ભવ્ય મંદિરના પ્રચાર માટે પ્રમુખ આર.પી. પટેલના નેતૃત્વ હેઠળ 9 સભ્યોનું ડેલિગેશન હાલમાં બ્રિટન પ્રવાસે છે. રવિવારે લંડનના કેપી સેન્ટરમાં યોજાયેલા સ્નેહમિલનમાં ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતામાં પ્રમુખ આર.પી. પટેલે સમાજની એકતા અને યુવા જાગૃતિના મુદ્દાઓ વિશે વાત કરી હતી. માતાજીના મંદિર નિર્માણમાં સક્રિય સહભાગી થવા અપીલ
પ્રમુખ આર.પી. પટેલે વિશ્વ ઉમિયાધામને “નવમી અજાયબી સમાન ભવ્ય પ્રોજેક્ટ” ગણાવતા જણાવ્યું કે, ડિસેમ્બર 2027માં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને વિશ્વભરના દરેક પરિવાર સુધી “મારી ઈંટ માના મંદિરે” જેવા સંદેશને પહોંચાડવાનું સંકલ્પ લેવામાં આવ્યું છે. દરેક કુટુંબને માતાજીના મંદિર નિર્માણમાં સક્રિય સહભાગી થવાની અપીલ પણ તેમણે કરી. બ્રિટનના વતની પાટીદાર સમાજમાં સારું જોડાણ સર્જાયું
આ પ્રસંગે ઉપપ્રમુખ ડી.એન. ગોલ, શશીભાઈ વેકરીયા, વેલજીભાઈ વેકરીયા અને સમાજ પ્રમુખ સુરેશભાઈ કણસાગરાએ પણ હાજરી આપી. તેમજ દિનેશભાઈ પટેલ, નરેશભાઈ અને અન્ય આગેવાનોએ પણ માર્ગદર્શન આપ્યું. લંડનના આ કાર્યક્રમથી વિશ્વ ઉમિયાધામ માટે બ્રિટનના વતની પાટીદાર સમાજમાં સારું એવું જોડાણ સર્જાયું છે, જે આગામી વર્ષોમાં મંદિર નિર્માણ માટે મદદરૂપ સાબિત થશે. 9 વર્ષની દીકરીએ મંદિરના નિર્માણ માટે પીગી બેંક દાન કરી
બ્રિટનના લંડનમાં સ્થિતિ પટનાયક પરિવારની 9 વર્ષની ધોરણ 4માં અભ્યાસ કરતી દીકરી અદિતી બિભૂતિ પટનાયકે સનાતન ધર્મના પ્રતિક સમા વિશ્વ ઉમિયાધામ મંદિરના નિર્માણ માટે પોતાની પીગી બેંક દાનમાં આપી છે. નાનકડી 9 વર્ષની અદિતીની લાગણીને ધ્યાન લઈ પ્રમુખ આર.પી.પટેલે પીગી બેંકનું દાન સ્વીકાર્યું હતું. તેમણે જણાવ્યું છે કે, લોકો કરોડો રૂપિયાનું દાન કરે પણ મુળભુત ઓડિશાના વતની હાલમાં લંડન રહેતા અદિતી પટનાયકે પોતાની પીગી બેંક દાનમાં આપી છે એ ખૂબ મોટી વાત છે.
લંડનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સ્નેહમિલન:'મારી ઈંટ માના મંદિરે' અભિયાનને વિશ્વ સ્તરે ગતિ, ડિસેમ્બર 2027ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી તેજ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
