લગ્ન, બેંગકોક, ગાંજો, જેલ અને રાજનીતિના મેદાનમાં મોડલ હની પટેલ:બે મહિના સાબરમતી જેલની હવા ખાધી, પતિથી છૂટી પડી FIR કરી; હવે વિવાદોનો વંટોળ ફુંકાયો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલે પાંચ દિવસ પહેલા સુરતમાં આપનો ખેસ ધારણ કરતા જ સોશિયલ મીડિયામાં વિવાદ છેડાયો છે. આપમાં એન્ટ્રી કરતા જ સોશિયલ મીડિયા પર હની પટેલના બિયરના ગ્લાસ ભરતા અને સિગારેટના કશ મારતા વીડિયો વાઈરલ થવા લાગ્યા છે. થોડા મહિના પહેલા હાઈબ્રીડ ગાંજાના કેસમાં હની પટેલની ધરપકડ થતા બે મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જે મુદ્દો પણ હાલ ઉછળ્યો છે. આ તમામ વિવાદની વચ્ચે હની પટેલે ભાસ્કર સાથેની વાતચીતમાં ધડાકો કરતા તેના પતિ તુષાર ગજેરા અને તેના મિત્ર બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. આ બંનેએ મળીને તેણીને ગાંજાના કેસમાં ફસાવી હોવાનો આક્ષેપ કર્યો છે. એપ્રિલ 2025માં લગ્ન, બેંગ્કોક ટુર, ગાંજા મળવો, જેલવાસ અને હવે આપમાં એન્ટ્રી. છેલ્લા આઠ મહિના દરમિયાન શું થયું તેની સિલસિલાબંધ વિગતો જણાવી હતી. પોતાનો જે ભૂતકાળ છે તેની જાણ કરીને જ તેને આમ આદમી પાર્ટી જોઈન કરી હોવાનો દાવો કર્યો છે. તુષાર સાથે સંપર્કમાં આવ્યા બાદ બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા
મૂળ ભાવનગર અને સુરત જિલ્લામાં રહેતી 26 વર્ષીય હની મહેન્દ્રભાઈ ધડુક ઉર્ફે હની પટેલ વર્ષોથી સુરતમાં પરિવાર સાથે રહે છે. 2017થી હની પટેલ મોડેલિંગ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરી રહી છે. હની પટેલે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2025ના જાન્યુઆરી મહિનામાં મારા અને તુષાર ગજેરાના પરિવાર સંપર્કમાં આવ્યા હતા અને બંનેના લગ્ન પણ નક્કી થયા હતા. તુષારના સંપર્કમાં આવ્યા બાદ તેના મિત્ર એવા ભાજપ નેતા પ્રદીપ ભાખરના સંપર્કમાં પણ આવી હતી. ભાજપ નેતા પ્રદીપ ભાખર બગસરા તાલુકા ભાજપ પ્રમુખ છે. પહેલાથી તેની નજર ખરાબ હોવા અંગે મેં તુષારને જણાવ્યું હતું. દરમિયાન ચાર એપ્રિલ 2025ના રોજ કોર્ટમાં લગ્ન કર્યા હતા કારણ કે અમે બંને દુબઈ શિફ્ટ થવાના હતા. જેથી બંનેના પરિવારજનોની હાજરીમાં કોર્ટ મેરેજ કરવામાં આવ્યા હતા. કોર્ટ મેરેજ કર્યાના બીજા જ દિવસે મારી તબિયત ખરાબ થઈ હતી. હની પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ટાઈફોઈડ થઈ ગયો હોવાથી 6થી 7 દિવસ હોસ્પિટલમાં રહી હતી. રજા થતા તુષાર તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં તુષારની પૂર્વ ગર્લફ્રેન્ડ સાથે તુષારની માતા વીડિયોકોલ પર વાત કરી રહ્યા હતા. ત્યાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન તુષારે હાથ પણ ઉપાડ્યો હતો. જેથી હું પિયર પરત આવી ગઈ હતી. જેના ત્રણ-ચાર દિવસ પછી તુષારે સમાધાન માટે ફોન કરીને કહ્યું હતું. તેથી મેં કહ્યું હતું કે તારા મમ્મી પપ્પા મને સ્વેચ્છાએ લેવા આવતા હોય તો હું આવવા તૈયાર છું. લગ્નના 22 દિવસ બાદ પતિ-પત્ની બેંગકોક ફરવા ગયા
હનીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાં માથાકૂટ થયા બાદ પતિ તુષારે એવું કહ્યું હતું કે, હાલ ઘરનો માહોલ થોડો ખરાબ છે જેથી આપણે થોડા દિવસ બેંગકોક ફરીને આવીએ અને એટલા દિવસોમાં ઘરનો માહોલ પણ શાંત થઈ જશે. જોકે મને તુષાર પર હવે ભરોસો રહ્યો ન હોવાથી બંનેના પરિવારજનો સાથે ફરવા જઇએ તેવું કહ્યું હતું. તુષાર બંનેના પરિવારજન સાથે બેંગકોક જવા માટે તૈયાર થઈ ગયો હતો. જ્યારે જવાનો ટાઈમ થઈ ગયો ત્યારે તેના પરિવાર નહીં આવે તેવું બહાનું બતાવી દીધું હતું. તેથી મારા ફેમિલી સાથે તુષાર બેંગકોક આવ્યો હતો.બધા સાથે બેંગકોક ગયા હતા અને દસ દિવસ રોકાણ કર્યું હતું. અમે ત્યાં પહોંચ્યાના બે દિવસ બાદ ભાજપ નેતા પ્રદીપ ભાખર પણ બેંગકોક આવ્યા હતા. બેંગકોકથી પરત ફર્યા ત્યારે હની પટેલની બેગમાંથી 19 કિલો ગાંજો ઝડપાયો હતો
હાઈબ્રીડ ગાંજાના કેસ મામલે હની પટેલે જણાવ્યું હતું કે,બેંગકોકથી પરત ફરતા સમયે એવું બન્યું હતું કે, મારા પતિ તુષાર અને તેના મિત્ર પ્રદીપ ભાખરે મારા નામે ગાંજો ભરેલી એક બેગ બોર્ડિંગ કરી દીધી હતી. એ બેગમાં ગાંજો છે કે નહીં તે અંગેની મને કોઈ પણ પ્રકારની જાણ ન હતી. અમદાવાદ એરપોર્ટ પર પકડાયા ત્યારે બેગમાંથી 19 કિલો હાઇબ્રીડ ગાંજો પકડાયો હતો. ગાંજો પકડાતા હની પટેલે બે મહિના જેલમાં રહેવું પડ્યું
હની પટેલે જણાવ્યું કે, જ્યારે ગાંજો પકડાયો ત્યારે એરપોર્ટ પર મારી કોઈપણ પ્રકારની પૂછપરછ કરવામાં આવી નથી કે કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યું નથી. 24 કલાક એરપોર્ટ પર બેસાડ્યા બાદ બીજા દિવસે ડાયરેક્ટ કોર્ટમાં હાજર કરી અને ત્યારબાદ સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવી હતી. આ બધી જ ઘટના બન્યા બાદ હું જેલમાં બે મહિના અને ત્રણ દિવસ કાપીને બહાર આવી હતી. બહાર આવ્યા બાદ મને ફસાવનારાઓ અંગે તપાસ કરતા ચોકાવનારી હકીકત બહાર આવી હતી. આ તમામ ઘટનાની અંદર મને ફસાવવામાં મારા પતિ તેનો મિત્ર એવો ભાજપ નેતા પ્રદીપ ભાખર અને અન્ય નેતાઓના પણ હાથ હોવાનું મને જાણવા મળ્યું હતું. આ બાબતે મેં ફરિયાદ પણ કરવાનો પ્રયાસ કર્યો તો પણ મારી ફરિયાદ લેવામાં આવી નથી. હાઇબ્રીડ ગાંજાનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. મને આશા છે કે ન્યાયતંત્ર મને ન્યાય અપાવશે. મારી સાથે જે થયું તે મારા પતિએ માથે ઉભા રહીને કરાવ્યું- હની પટેલ
આ તમામ કેસમાં ફસાવવાનું શરૂઆત હું જ્યારે તુષાર ગજેરાના ફેમિલી રિલેશનના કારણે સંપર્કમાં આવી ત્યારબાદથી જ થઈ ગઈ હતી. પણ મને મારા પતિ પર ભરોસો હતો કે કોઈપણ પતિ પોતાની પત્ની સાથે ખોટું નહીં કરે. જોકે આ કેસમાં તમામ વસ્તુઓ ઊંધી થઈ ગઈ હતી. મારી સાથે જે કંઈ પણ થયું છે તે મારા પતિએ માથે ઉભા રહીને કરાવેલું છે. આ સાથે જ મારા પતિ સાસુ સહિતના એ જે મને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે તેની ફરિયાદ પણ મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં કરેલી છે. ‘આપના નેતાઓને મારા ભૂતકાળની જાણ કરીને જ હું પાર્ટીમાં જોડાઈ છું’
ગત 12 નવેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના કિરણ ચોક ખાતે ના કાર્યલય ખાતે ગઈ હતી અને ત્યાં પાંડેસરા વિસ્તારના પ્રમુખ નીતાબેન પટેલ ના હસ્તે હું આપમાં જોડાઈ હતી. આ સમયે ઓફિસની અંદર રચનાબેન હિરપરા, મહેશ અણઘણ સહિતના નેતાઓ હાજર હતા. મારા ભૂતકાળ એટલે કે હાઈબ્રીડ ગાંજાનો કેસ અને આ તમામ ઘટનાઓ અંગે આપના નેતા રજની વાઘાણી, ધર્મેશ ભંડેરી અને પાયલ સાકરીયાને પહેલા જ જાણ કરી હતી. હું આપમાં જોડાઈ છું અને મેં મારા ભૂતકાળ અંગે આપના નેતાઓને જાણ ન કરી હોય તેવું નથી. તમામ માહિતી આપ્યા બાદ જ હું આપના જોડાઈ છું. ‘જો આપને લાગતું હોય કે મારા લીધે પાર્ટીને છાંટા ઉડે છે તો હું રાજીનામું આપવા તૈયાર છું’
હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેમાં આમ જનતાએ ભાજપ અને આપને આમને સામને કરી દીધા છે. હું એ જરા પણ ઈચ્છતી ન હતી. મારી લડત છે તે વ્યક્તિગત છે. ભાજપના નેતા છે એટલા માટે હું તેમના સામે લડી રહી છું કે એમની સામે લડવા માટે હું આપમાં જોડાઈ છું તેવું નથી. મારી વ્યક્તિગત લડત છે તે હું એકલી જ લડવા માગું છું કોઈ પક્ષને સાથે લઈને લડવા કે વાદવિવાદ કરવા ઇચ્છતી નથી. આમ આદમી પાર્ટીને પણ આ બધી વસ્તુઓના લીધે એવું માનવું હોય કે, તેમની પાર્ટી પર આ કેસને લઈને છાંટા ઉડતા હોય તો હું સ્વેચ્છાએ રાજીનામું આપવા તૈયાર છું. હની પટેલના આક્ષેપો બાદ ભાસ્કરે તેમના પતિ તુષાર ગજેરા અને ભાજપ નેતા પ્રદીપ ભાખરનો પક્ષ જાણવા માટે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ, સંપર્ક થઈ શક્યો નહોતો. આ સમાચાર પણ વાંચોઃ
અમદાવાદ એરપોર્ટ પરથી છ મહિના પહેલા હની પટેલ પાસેથી 19 કરોડની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *