
Vadodara Corporation : વડોદરા નવા બજાર વિસ્તારમાં પાલિકા કમિ.ની ઓચિંતી મુલાકાત બાદ ગેરકાયદે ઓટલાના થયેલા સફાયાથી રોડ રસ્તા ખુલ્લા થયા પછી નવા બજારની સમાંતર મંગળ બજાર વિસ્તારમાં પણ લારી ગલ્લા પથારા સહી દુકાનોના લટકણીયા દૂર કરાયા બાદ આજે બીજા દિવસે સતત દબાણ શાખાનું પેટ્રોલિંગ રહેતા આ તમામ વિસ્તારોમાંથી વાહનોનો ધમધમાટ શરૂ થયો હતો. આવી જ રીતે કડક બજારમાં પણ રોડ રસ્તા ખુલ્લા કરાવીને પેટ્રોલિંગના સહારે વાહન વ્યવહાર આ રોડ રસ્તેથી પણ શરૂ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, નવા બજાર વિસ્તારમાં બે દિવસ અગાઉ પાલિકા કમિશનરે અરુણ મહેશ બાબુએ અચાનક મુલાકાત લીધી હતી ત્યારબાદ રોડ રસ્તા પર થયેલા ઓટલાના દબાણો પર રાતોરાત બુલડોઝર ફેરવી રોડ રસ્તા ખુલ્લા કરાયા હતા. આવી જ રીતે ગઈકાલે મંગળ બજાર લહેરીપુરા વિસ્તારમાં હંગામી દબાણો સહિત દુકાનોના લટકણીયાઓ પણ હટાવાયા હતા.
