વડોદરા શહેરને નશામુક્ત કરવા પોલીસની સતત કાર્યવાહી વચ્ચે શહેરના કારેલીબાગ વિસ્તારમાં મચ્છીપીઠ નાકા પાસે આવેલ મોદી હાઉસના ત્રીજા માળેથી SOG પોલીસે મોટી રેડ કરી મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડમાં 1.76 લાખ રૂપિયાની કિંમતનું 58 ગ્રામ 700 મિલીગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તેમજ રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને ડિજિટલ વજનકાંટો મળી કુલ 1.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર વોન્ટેડ આરોપીની શોધખોળ ચાલી રહી છે. SOG પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, આરોપી રફીક મલેક પોતાના ઘરમાં MD ડ્રગ્સનો જથ્થો સંતાડીને છૂટક વેચાણ કરે છે. આ બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો અને આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં આરોપી વિરુદ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં NDPS Actની સંલગ્ન જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પકડાયેલ આરોપીની વિગતો મહંમદરફીક રફીક ઇકબાલભાઇ મલેક ઉં.વ. 35 વર્ષ, રહે. મોદી હાઉસ, ત્રીજો માળ, મચ્છીપીઠ નાકા, રાવપુરા, વડોદરા. કબજે કરાયેલ મુદ્દામાલ : 1. મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ – 58.700 ગ્રામ 2. ડ્રગ્સ વેચાણની રોકડ 14700 રૂપિયા 3. 1 મોબાઇલ ફોન 4. 1 ડિજિટલ વજનકાંટો ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલીસ કમિશનર ડૉ. નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025દરમિયાન અત્યાર સુધીમાં NDPS Act હેઠળ કુલ 22 ગુના નોંધાયા છે, જેમાં રૂ. 1.22 કરોડથી વધુના વિવિધ માદક પદાર્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 1.59 કરોડથી વધુનો માલ કબજે કરવામાં આવ્યો છે અને 41 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરામાં MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો:SOG પોલીસે મોદી હાઉસના ત્રીજા માળેથી1.76 લાખની કિંમતનું 58.700 ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું, એકની ધરપકડ, એક આરોપી વોન્ટેડ જાહેર
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
