સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘એકતા મંત્ર’ને જન-જન સુધી પહોંચાડવા રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરાયું છે. આ અંતર્ગત વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાઈ હતી. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ ચંદુ શિહોરા અને જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ સહિતના મહાનુભાવો આ પદયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પદયાત્રા વઢવાણ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને નાના કેરાળાના હનુમાનજી મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. આ યુનિટી માર્ચ દ્વારા ‘હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી’નો સંદેશ મજબૂત બન્યો હતો અને નાગરિકોએ સ્વદેશી અપનાવવા તથા આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના શપથ લીધા હતા. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશના 562 રજવાડાઓને એક કરીને ‘એક ભારત’ની સ્થાપના કરી હતી, જેના કારણે તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાય છે. 31 ઓક્ટોબર, 1875ના રોજ કરમસદમાં જન્મેલા સરદાર સાહેબની વર્ષ 2025માં 150મી જન્મજયંતિ છે, જેની ઉજવણી સમગ્ર ભારતમાં શતાબ્દી તરીકે થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરી છે, જેની મુલાકાત વર્ષે 50 લાખ લોકો લે છે. મકવાણાએ સરદાર સાહેબના સંદેશાઓને પણ યાદ કર્યા હતા, જેમાં ‘સાચું કહેવાની હિંમત રાખો, કાળજું સિંહનું રાખો, અન્યાય સામે અવિરત લડ્યા રાખો, પણ ઘરની વાત ઘરમાં રાખો’ જેવા સૂત્રોનો સમાવેશ થાય છે. મકવાણાએ એ પણ જણાવ્યું કે, વર્ષ 2025 બંકિમચંદ્ર ચટોપાધ્યાયજી દ્વારા 1875માં રચાયેલા ‘વંદે માતરમ’ ગીતની પણ 150મી જન્મજયંતિનું વર્ષ છે. તેમણે સૌને રાષ્ટ્ર ભાવના સાથે જોડાઈને, દરેક વ્યક્તિના હૃદયમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય તેવી પ્રેરણા આ યાત્રાના માધ્યમથી મેળવવા અનુરોધ કર્યો હતો. અગ્રણી ગૌતમભાઈ ગેડીયાએ રાષ્ટ્ર એકતા પ્રત્યે સરદાર વલ્લભભાઈ પટેલના અડગ મનોબળ અને ભગીરથ પ્રયત્નોનું સ્મરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય માધવેન્દ્ર પ્રસાદજી, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, ધીરુભાઈ સિંધવ, જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વઢવાણમાં યુનિટી માર્ચ અંતર્ગત જિલ્લા કક્ષાની પદયાત્રાનું આયોજન:લોકોએ સ્વદેશી અપનાવવા, આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના શપથ લીધા
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
