વન વિભાગે 16 કલાક અમીરગઢના જંગલ ખૂંદી 10 શિકારીઓ ઝડપ્યા:ગેંગ નીલગાયનો શિકાર કરી માંસ થેલીઓમાં ભરતી હતી ને ટીમ ત્રાટકી, પાંચ બંદુક સહિતના હથિયારો જપ્ત

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના જંગલોમાંથી વન વિભાગ અને પોલીસની ટીમે શિકારી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ જંગલમાં નીલગાયને ટાર્ગેટ કરીને શિકાર કરતી હોવાની બાતમી વન વિભાગને મળી હતી. જેને લઇને વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બંદુકના ધડાકાનો અવાજ સંભળાતા ટીમે જંગલમાં ઓપરેશન શરૂ કર્યું હતું. સતત 16 કલાક જંગલ ખૂંદતા પોલીસ અને વન વિભાગની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે આરોપીઓ નીલગાયનો શિકાર કરીને માંસને થેલીઓમાં ભરતા હતા. વન વિભાગની ટીમને બાતમી બાદ બંદુકના અવાજ સંભળાયા
વન વિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશન વિષે મળતી માહિતી મુજબ વન્યજીવ રેન્જ ઇકબાલગઢના કપાસિયા રાઉન્ડમાં વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને શિકારના ઇરાદે જંગલમાં ઘૂસેલા અજાણ્યા ઇસમો વિશે બાતમી મળી હતી. જેથી ટીમે જંગલમાં સર્ચ કરતાં બંદૂકના અવાજ સાંભળવા મળ્યા હતા. જેમ જેમ બંદુકના અવાજ સંભળાતા ગયા તેમ તેમ સ્ટાફ તે દિશામાં આગળ વધતો ગયો હતો અને તેમના ઉપરી અધિકારીઓને પણ જાણ કરી હતી. સતત 16 કલાકના સર્ચ ઓપરેશન શિકારી ગેંગ હાથમાં આવી
આ દરમિયાન બંદુકના અવાજ બંધ થઇ ગયા હતા પરંતું ચોક્કસ બાતમી અને બંદુકના અવાજને ધ્યાને રાખીને વન વિભાગની ટીમ અને પોલીસે જંગલ ખૂંદવાનું શરૂ કર્યું હતું. જેમાં સતત 16 કલાકના સર્ચ ઓપરેશન બાદ 10 સભ્યોની શિકારી ગેંગ હાથ લાગી હતી. જ્યારે 4 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. વન વિભાગ અને પોલીસની ટીમ જ્યારે પહોંચી ત્યારે ગેંગના સભ્યો એક નીલગાયનો શિકાર કરીને માંસને પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી રહ્યા હતા. પાંચ બંદુક જપ્ત, તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ
વન અધિકારીઓએ શિકારીઓ પાસેથી પાંચ બંદૂકો જપ્ત કરી હતી, જેમાંથી ચાર બંદૂકો લાયસન્સ વગરની હોવાનું સામે આવ્યું હતું. ગેરકાયદેસર શિકાર ઉપરાંત ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી અને 10 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટે તેમના જામીન નામંજૂર કરતા તેમને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા છે. અમારી ટીમને શિકારીઓની બાતમી મળી હતી: RFO
આ અંગે RFO શક્તિસિંહ પરમારે જણાવ્યું હતું કે,17 તારીખના રોજ વન્યજીવ રેન્જ ઈકબાલગઢની કપાસિયા રાઉન્ડની અંદર સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે કેટલાક શખ્સો શિકારના ઇરાદે જંગલમાં ઘૂસ્યા છે. જે બાદ સ્ટાફને બંદૂકના અવાજ આવતાં સ્ટાફ એ દિશામાં ગયો હતો અને મને જાણ કરી હતી. જે બાદ અમીરગઢ પોલીસ અને અમીરગઢ રેન્જનો સ્ટાફે સાથે કોમ્બિંગ ચાલુ કર્યું હતું. ‘અમે પહોંચ્યા ત્યારે એક નીલગાયનો શિકાર કરેલો હતો’
શક્તિસિંહ પરમારે વધુમાં જણાવ્યું કે સતત 16 કલાકની તપાસ બાદ આરોપીઓને અમે ઝડપી લીધા હતા. ટોટલ 14 આરોપીઓ હતા પણ એમાંથી 4 ફરાર થઈ જતા અમારા હાથમાં 10 આરોપીઓ જ આવ્યા હતા. અમે સ્થળ ઉપર ગયા ત્યારે તેઓ બંદૂકો સાથે હતા અને નીલગાયનો શિકાર કરેલો હતો. એ લોકોને અમે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં એમના જામીન નામંજૂર થતાં તેઓને સબ જેલના હવાલે કરવામાં આવ્યા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *