વલસાડ શહેરની અમિત હોસ્પિટલમાં ₹12.98 લાખની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. આ મામલે હોસ્પિટલના બિલિંગ ઓપરેટર સુનિલ પટેલ સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ આર્થિક ગોટાળો ઓગસ્ટ 2024 થી નવેમ્બર 2024 દરમિયાન થયેલી બિલિંગ પ્રક્રિયામાં બહાર આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, 66 દર્દીઓ પાસેથી કુલ ₹21,96,994 વસૂલ થવા જોઈતા હતા. જોકે, હોસ્પિટલના સોફ્ટવેરમાં માત્ર ₹8,98,585 જ જમા કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ, બાકીના ₹12,98,409 સુનિલ દ્વારા ગેરવહીવટ કરીને પોતાના અંગત ઉપયોગ માટે રાખવામાં આવ્યા હતા. આ ઉચાપત 17 ઓગસ્ટ 2024 થી 4 નવેમ્બર 2024 વચ્ચેના સમયગાળામાં થઈ હતી. બિલિંગ ઓપરેટર તરીકે સુનિલની જવાબદારી દર્દીઓના બિલ બનાવવા, રકમ વસૂલવી અને સોફ્ટવેરમાં તેની એન્ટ્રી કરવાની હતી. હોસ્પિટલ મેનેજમેન્ટે સુનિલનો એપોઈન્ટમેન્ટ લેટર, કર્મચારી વિગતો ફોર્મ અને દર્દીઓની બિલ-કમ-રસીદની નકલ સહિતના પુરાવા સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડની અમિત હોસ્પિટલમાં ₹12.98 લાખની ઉચાપત:બિલિંગ ઓપરેટર સામે વિશ્વાસઘાતનો ગુનો દાખલ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
