વલસાડ જિલ્લામાં Special Intensive Revision (SIR)–2026 અંતર્ગત મતદાર યાદી સુધારણા પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર, કુલ 13,85,807 મતદારો પૈકી અત્યાર સુધી 1,57,568 મતદારોની ડિજિટલ નોંધણી પૂર્ણ થઈ છે. આ પ્રક્રિયાને વેગ આપવા માટે જિલ્લાના 1359 મતદાન મથકો પર નિયુક્ત BLO (બૂથ લેવલ ઓફિસર) ને મતદારોની ડિજિટલ વિગતો એકત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને, 22 અને 23 નવેમ્બરના રોજ તમામ BLO સવારથી સાંજ સુધી મતદાન મથકો પર હાજર રહી મતદારોની નોંધણી, સુધારણા અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરશે. ચૂંટણી તંત્રએ મતદારોને યોગ્ય રીતે ફોર્મ ભરી, ફોટા સહિત તમામ જરૂરી વિગતો પૂરી પાડવા અનુરોધ કર્યો છે. વર્ષ 2002ની મતદાર યાદી અનુસાર ડિજિટલ નોંધણીનું આ કાર્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ઝડપથી ચાલી રહ્યું છે. મતદારો 4 ડિસેમ્બર સુધી પોતાના નામમાં સુધારણા અથવા જોડણી માટે ફોર્મ ભરી શકશે. નિર્ધારિત સમયગાળા દરમિયાન અરજી ન કરનારાના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર મુજબ, અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરીએ જાહેર થશે. ચૂંટણી તંત્ર દ્વારા અગાઉ જાહેર કરાયેલા માર્ગદર્શન અનુસાર, 2024ની યાદીમાં નામ ધરાવતા મતદારોના ઘરે BLO મુલાકાત લઈ જરૂરી માહિતી ચકાસશે. જો કોઈનું નામ ગાયબ હોય, તો ઓનલાઇન ચકાસણી માટે https://voters.eci.gov.in અને https://chunavsetu-search.gujarat.gov.in પોર્ટલ ઉપયોગી થશે. જન્મ તારીખ 01-01-1988 થી 02-12-2007 વચ્ચે હોય અને સરનામું બદલાયું હોય તો એક જ પુરાવા આધારિત માહિતી માન્ય ગણાશે. જ્યારે 02-12-2007 પછી જન્મેલા મતદારો માટે માતા-પિતાના દસ્તાવેજોની જરૂર પડશે. ઓળખ માટે આધાર કાર્ડ, પાસબુક, ડ્રાઈવિંગ લાઈસન્સ, રેશન કાર્ડ સહિતના દસ્તાવેજો માન્ય રહેશે. SIR–2026 કાર્યક્રમ મુજબ, ગણતરીનો સમયગાળો 01-11-2025 થી 04-12-2025 સુધી રહેશે અને 5 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થશે. ત્યારબાદ, 05-12-2025 થી 02-01-2026 સુધી દાવો-આપત્તિ પ્રક્રિયા ચાલશે અને 03-01-2026 થી 31-01-2026 સુધી નોટિસ તબક્કો રહેશે. અંતિમ મતદાર યાદી 05-02-2026ના રોજ જાહેર કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને વિનંતી કરી છે કે નિર્ધારિત ‘ખાસ દિવસો’ દરમિયાન BLO સાથે સંપર્ક કરી પોતાના મતાધિકારનું સંરક્ષણ કરે.
વલસાડમાં SIR–2026 મતદાર યાદી સુધારણા પ્રક્રિયા શરૂ:BLO 22-23 નવેમ્બરે મતદાન મથકે હાજર રહેશે
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
