વલસાડ એ.પી.એમ.સી.ના સંચાલકોએ 3 ગેટ બંધ કરી દેતા વેપારીઓમાં ભારે રોષ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • ગુજરાત હાઇકોર્ટના આદેશનો સંચાલકો ભંગ કરી રહ્યા હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો
  • હાઈકોર્ટનું શરણું લેવાનો નિર્ણય પણ લીધો હતો
  • વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે

વલસાડના બેચર રોડ સ્થિત એ.પી.એમ.સી.ના સંચાલકોએ 4 પૈકીના ત્રણ ગેટો ઉપર તાળા મારી દેતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. રોષે ભરાયેલા વેપારીઓએ એ.પી.એમ.સી.ના સંચાલકો સામે ફરીથી હાઈકોર્ટનું શરણું લેવાનો નિર્ણય પણ લીધો હતો.

વલસાડના બેચર રોડ સ્થિત એ.પી.એમ.સી.ને સુવિધા વિનાના ધમડાચી એ.પી.એમ.સી. ખાતે સ્થળાંતરિત કરવાના સંચાલકોના નિર્ણયનો વેપારીઓએ વિરોધ કર્યો હતો. જે બાબતે નારાજ વેપારીઓએ હાઈકોર્ટનું શરણું લીધું હતું. હાઇકોર્ટે વેપારીઓને તા. 20મી જૂન સુધી બેચર રોડ સ્થિત એ.પી એમ.સી.માં વેપાર કરવા દેવા માટે આદેશ આપ્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ એ.પી.એમ.સી.ના સંચાલકોએ ગત રોજ મોડી સાંજે માર્કેટના મુખ્ય પ્રવેશદ્વાર સિવાયના ત્રણ ગેટને તાળા મારી દીધા હતા અને દુકાનો બહારની સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દીધી હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો છે. એ.પી.એમ.સી.ના સંચાલકો યેનકેન પ્રકારે માર્કેટને ધમડાચી હાઇવે સ્થળાંતરિત કરવા પ્રયત્નો કરી રહ્યા હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો છે. એ.પી.એમ.સીના સંચાલકો સેસના સ્થાને યૂઝર ચાર્જની અનધિકૃત રીતે વસૂલાત કરતા હોવાનો બળાપો પણ ઠલવાઈ રહ્યો છે.

વલસાડ ફ્રૂટ મર્ચન્ટ અને કમિશન એજન્ટ એસોશિયેશનના મહામંત્રી નરેશભાઈ બલસારીએ આપેલીવિગતો મુજબ હાલના માર્કેટમાં હયાત શૌચાલયો બંધ છે અને તેમાં કોઈ પણ પ્રકારની સાફસફાઈ રખાતી નથી.વધુમાં તેમણે એ.પી.એમ.સી. ના સંચાલકો હાઇકોર્ટના આદેશનો અનાદર કરી રહ્યાં હોવાની લાગણી વ્યક્ત કરી હતી.એ.પી.એમ.સી. ના સંચાલકોની નીતિરીતિ સામે રોષે ભરાયેલા વેપારીઓએ જરૂર પડયે ફરીથી હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી રાખી હોવાનું જણાવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *