વાપીમાં ગેરકાયદે PET ક્લિનિક પર પશુપાલન શાખાની તપાસ:લાઈસન્સ ન હોવાથી ક્લિનિક બંધ કરાવાયું, દવાઓ સીલ કરાઈ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

વાપી જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા આર્નોલ્ડ કેનલ PET ક્લિનિક અને PET શોપ પર વલસાડ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા અને વાપી જીઆઈડીસી પોલીસે સંયુક્ત દરોડો પાડ્યો હતો. લાઈસન્સ અને માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્રો રજૂ ન કરી શકતા, આ ક્લિનિકને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હકીમજી મોલ, લાપીનોઝ પિઝ્ઝાની ઉપર આવેલા આ ક્લિનિક પર સવારે ૧૧:૦૦ કલાકે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ક્લિનિકના સંચાલક હાજર હતા પરંતુ તેઓ ક્લિનિક ચલાવવા માટેનું કોઈ લાઈસન્સ કે વેટનરી પ્રેક્ટિશનર તરીકેનું સર્ટિફિકેટ રજૂ કરી શક્યા નહોતા. તલસ્પર્શી તપાસમાં, વેટેરીનરી પ્રેક્ટિસની પરવાનગી વગર પેટ ક્લિનિક ચલાવવામાં આવતું હોવાનું અને અનઅધિકૃત દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. ટીમે પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓ, એક્સપાયર થયેલી દવાઓ અને સર્જરીના સાધનો સીલ કરીને પોલીસને જાણ કરી હતી. ગેરકાયદેસર રીતે ચાલતા આ ક્લિનિક અને શોપને બંધ કરવા માટે નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી. પશુઓની સારવાર માટે પશુચિકિત્સક પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની બીવીએસસી એન્ડ એએચની ડિગ્રી હોવી ફરજિયાત છે. ઉપરાંત, તેમનું રજિસ્ટ્રેશન ગુજરાત વેટરનરી કાઉન્સિલ અથવા ઇન્ડિયન વેટરનરી કાઉન્સિલમાં થયેલું હોવું જોઈએ. આ શરતો પૂરી ન કરતા કોઈપણ વ્યક્તિ દ્વારા અનઅધિકૃત રીતે દવાઓ આપી ક્લિનિક ચલાવવું એ ભારતીય વેટરનરી કાઉન્સિલ અધિનિયમ, ૧૯૮૪ મુજબ ગુનો બને છે. ગુજરાત સરકાર દ્વારા અનઅધિકૃત રીતે વેટરનરી પ્રેક્ટિસ કરતા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લા પશુપાલન અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકને અધિકૃત કરવામાં આવ્યા છે. પશુઓના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા અને મૂંગા પશુઓ પર થતા અત્યાચારને રોકવા માટે, કોઈપણ વ્યક્તિ અનઅધિકૃત રીતે પશુ સારવાર કરતા જણાય તો પશુપાલન વિભાગ-વલસાડને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *