વાપીમાં 300થી વધુ ગેરકાનૂની ભંગાર ગોડાઉન પર બુલડોઝર ફર્યું:મનપાએ છેલ્લા છ મહિનાથી વારંવાર નોટિસ આપી પણ સંચાલકોએ ન હટાવતા તંત્રએ ડિમોલિશન શરૂ કર્યું

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

વલસાડ જિલ્લાના વાપી શહેરના કરવડ વિસ્તારમાં વાપી મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. અહીં આવેલા 300થી વધુ ગેરકાનૂની ભંગારના ગોડાઉન પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આ ગોડાઉન ફાયર વિભાગ, GPCB અને અન્ય સંબંધિત અધિકારીઓની જરૂરી NOC મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે કાર્યરત હતા. મહાનગરપાલિકાએ છેલ્લા છ મહિનાથી આ સંચાલકોને વારંવાર નોટિસ પાઠવી હતી. ડેપ્યુટી કમિશનર અશ્વિન પંડ્યાએ જણાવ્યું હતું કે, 300 જેટલા ગોડાઉન સંચાલકોને નોટિસ આપી પૂરતો સમય અપાયો હતો, છતાં એકપણ સંચાલકે નિયમસર દસ્તાવેજો રજૂ કર્યા નહોતા. ગેરકાયદેસર બાંધકામ, નિયમ વિરુદ્ધના શેડ અને પરવાનગી વિનાના વ્યવસાય સામે હવે સીધી તોડફોડની કાર્યવાહી કરાઈ છે. મનપાના સર્વે મુજબ, ઘણા ભંગાર ગોડાઉન સંચાલકો વાપી GIDCની કેમિકલ કંપનીઓમાંથી આવતો વેસ્ટ યોગ્ય જાણકારી વિના અન્ય ભંગાર સાથે ભેળવી ઠાલવતા હતા. જેના કારણે આગની અનેક ઘટનાઓ સર્જાતી હતી. સુરક્ષા ધોરણોનું પાલન ન કરવાની આ બેદરકારીને ગંભીરતાથી લઈને મનપાએ કડક પગલાં લીધા છે. કરવડ વિસ્તારમાં મહાનગરપાલિકાની આ કામગીરીથી ગેરકાયદેસર મિલકત ધારકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વાપી મહાનગરપાલિકા દ્વારા સરકારી ગાઈડલાઈનનું કડક પાલન શરૂ થતાં ગેરનિયમિત રીતે ચાલતા વેપારીઓમાં પણ હલચલ મચી ગઈ છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *