અમદાવાદ,સોમવાર
સેલવાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાઇનીઝ દોરીની ગેરકાયદે ફેક્ટરી પર દરોડો પાડીને દોઢ કરોડની કિંમતની ચાઇનીઝ દોરી સહિક અઢી કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને ફેક્ટરીના માલિક વિરેન પટેલની ધરપકડ કરીને પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સેલવાસ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી ત્યાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ ન હોવાથી વિરેન પટેલે પોતાની વાપી સ્થિત ફેક્ટરી બંધ કરીને સેલવાલમાં ફેક્ટરી ચાલુ કરી હતી. જેમાં તે ફીશીંગ નેટના વ્યવસાયની આડમાં ઉત્તરાયણના ચાર મહિના પહેલાથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન શરૂ કર્યું હતું.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે સાણંદ, કોઠ, બાવળા, બગોદરા સહિતના પોલીસ સ્ટેશનમાં ચાઇનીઝ દોરીના ગુના નોંધીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જપ્ત કરાયેલી તમામ ચાઇનીઝ દોરી સેલવાસમાં આવેેલી એક ફેક્ટરીમાંથી વિરેન પટેલ નામના વ્યક્તિએ સપ્લાય કરી હતી.
જેના આધારે પોલીસે સેલવાસમાં આવેલી ફેક્ટરી પર દરોડો પાડીને ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતા મોટા યુનિટને ઝડપીને દોઢ કરોડની કિંમતની ચાઇનીઝ દોરી સાથેની ફીરકી અને મશીનરી સહિત અઢી કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
