ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં 9 ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ તેમજ 2 ધારાસભ્ય સહિત 17 સભ્યો હોય છે ત્યારે તેમાં રાજકોટના શિક્ષણવિદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. નિદત બારોટ ચૂંટાઈ આવ્યા છે ત્યારે તેમણે આગામી બોર્ડની પરીક્ષામાં વારંવાર ચોરીની ફરિયાદ અને સ્થાનિક કક્ષાએ થતી ચોરી રોકવાની વાત કરી તો વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં AI અને ડ્રોન ટેકનોલોજી તેમજ રોજગારી અપાવતા કોર્સ શરૂ કરવા માટેનું સૂચન કર્યુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. નિદત બારોટે જણાવ્યુ હતુ કે, ગુજરાતનું એકમાત્ર બોર્ડ એટલે શિક્ષણ બોર્ડ કે જેમાં ચૂંટાયેલા સભ્યો વહીવટ સંભાળતા હોય છે. હાલમાં 9 જેટલા ચૂંટાયેલા સભ્યો અને ધારાસભ્યો તેમજ સરકાર નિયુક્ત સભ્યો સાથે જુદી જુદી સમિતિઓ મારફત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કાર્ય કરતું હોય છે. જેમાં મહત્વની કારોબારી, પરીક્ષા અને અભ્યાસ સમિતિ સહિતની સમિતિઓ કાર્યરત છે. જેમાં પરીક્ષા સમિતિનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓની પારદર્શક રીતે પરીક્ષા લેવાય, વાલીઓને વિદ્યાર્થીઓની પરીક્ષા પદ્ધતિ ઉપર વિશ્વાસ બેસે, કોઈપણ પ્રકારની ગેરરીતી ન થાય અને સારી રીતે પરીક્ષા લેવાય તે પ્રકારનું વ્યવસ્થા તંત્ર પરીક્ષા સમિતિ સંભાળતી હોય છે. જ્યારે અભ્યાસ સમિતિમાં કોઈ અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની વાત હોય, કોઈ તજજ્ઞનો અભિપ્રાય લેવાનો હોય ઉપરાંત કોઈ જરૂરિયાત મુજબનો અભ્યાસક્રમ ઉમેરવાની વાત હોય તો તેની ચર્ચા થતી હોય છે. આગામી સમયમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ વધુ પારદર્શક અને સારી રીતે લોકોનો વિશ્વાસ કેળવી શકે તે રીતે વહીવટ ચલાવવાનો રહેશે. નવી ટેકનોલોજી જેમકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન ટેકનોલોજી તેમજ વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગ આપી શકાય. વિદ્યાર્થીઓને રોજગારલક્ષી તેમજ કૌશલ્યલક્ષી અભ્યાસક્રમ શરૂ કરી શકાય તે માટેના પ્રયત્નો રહેશે. જેથી વર્ષ 2047 માં વિકસિત ભારતનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું સ્વપ્ન છે ત્યારે તેમાં વિદ્યાર્થીઓ તેમાં શું ભાગ ભજવી શકે ? તેવા વિષયો ઓપ્શનલ કે વોકેશનલ પેપર તરીકે શરૂ કરી શકાય. ફેબ્રુઆરી – 2026 માં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર ત્યારે તેમાં શિક્ષણ બોર્ડ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશે? તેવું પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર તેના ઘર કે સ્કૂલથી નજીક મળે, વિદ્યાર્થીઓને બહુ દૂર સુધી ટ્રાવેલ ન કરવું પડે તેવી વ્યવસ્થા થાય, ક્યાં પરીક્ષા દરમિયાન ચોરીની વારંવાર ફરિયાદ આવતી હોય કે સ્થાનિક કક્ષાએ ચોરી કરાવવામાં આવતી હોય ત્યાં ચોરી ન થાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવી, વિદ્યાર્થીઓને એક વિશ્વાસ ઊભો કરાવવો કે તમારું સારી રીતે મૂલ્યાંકન થશે. જેથી તમે પરીક્ષા આપો અને આ જીવનની છેલ્લી પરીક્ષા નથી હોતી તેમાંથી શીખવાનું હોય છે કે વિદ્યાર્થી તરીકે તમારે તેમાં શું સુધારો કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. બારોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એજ્યુકેશન ફેકલ્ટી ડીન અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય છે.
શિક્ષણ બોર્ડની 2 સમિતિમાં કોંગ્રેસ પ્રવક્તા ચૂંટાયા:રાજકોટના શિક્ષણવિદ ડૉ. બારોટે કહ્યુ – વિકસિત ભારત બનાવવા AI – ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસ શરૂ થાય, બોર્ડ પરીક્ષામાં વારંવાર ચોરી થતી હોય તે સેન્ટરની નિગરાની
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
