ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે પેથાપુરમાં પરિવાર સાથે રહેતી સગીર વયની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આરોપીને 14 હજારનો દંડ અને પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા માટેનો પણ આદેશ કર્યો છે. 7 ઓગસ્ટ 2022ની રાત્રે સગીરાનું અપહરણ કરાયું હતું
ફરિયાદ પક્ષની વિગતો મુજબ આ ગુનો તા. 7 ઓગસ્ટ 2022ની રાત્રે બન્યો હતો. ગાંધીનગરના પેથાપુરમાં ફરિયાદી અને તેમનો પરિવાર રાત્રે ઘરની ઓસરીમાં સૂતા હતા, ત્યારે વહેલી સવારે તેમની 16 વર્ષની દીકરી પથારીમાંથી ગુમ થઈ ગઈ હતી. જેના પગલે પરિવારે સગીરાની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મહાલક્ષ્મી પેરેડાઇઝ સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા. જેમાં રાત્રે પોણા એક વાગ્યાના સુમારે સગીરાને કોઈ વ્યક્તિ એક્ટિવા પર પાછળ બેસાડીને લઈ જતો જોવા મળ્યો હતો. પરિવારને વિસનગરના રહેવાસી હરેશભાઈ ચૌધરી પર અપહરણનો શક હતો. કેમકે તે છેલ્લા ચાર દિવસથી અચાનક ગુમ હતો. જે મામલે પેથાપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરતા આરોપી હરેશ ઉર્ફે લાલો મોઘીજીભાઈ ચૌધરીએ ભોગ બનનાર સગીરાનું અપહરણ કર્યું હતું અને તેની સાથે વારંવાર બળજબરીથી શરીર સંબંધ બાંધીને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો આચર્યો હતો. જે અંગે પોલીસે જરૂરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. પોક્સો કોર્ટે 20 વર્ષની કેદ અને 14 હજારનો દંડ ફટકાર્યો
આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ જે.એન. ઠક્કર સમક્ષ ચાલવા પર આવ્યો હતો. જે કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરી હતી કે આરોપીએ ભોગ બનનાર દીકરી કે જેની ઉંમર બનાવ સમયે માત્ર 16 વર્ષ અને 22 દિવસની વયની હતી. તે જાણવા છતાં તેની મરજી વિરુદ્ધ બળજબરીથી આવું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે.સમાજમાં આવા ગુનાઓ રોજ-બરોજ બને છે જેથી આવા કેસના આરોપીને સખતમાં સખત સજા અને વધુમાં વધુ દંડ થવો જોઈએ.જેથી નવા ગુના કરતા લોકો અટકે અને સમાજમાં દાખલો બેસે. સરકાર તરફેની આ ધારદાર દલીલો અને ભોગ બનનાર તેમજ અન્ય સાક્ષીઓની જુબાનીઓના આધારે કોર્ટે આરોપીને અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટના ગુનામાં દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા,14 હજારનો દંડ તેમજ પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:પરિવાર સાથે ઘરમાં ઊંઘી રહેલી સગીરાનું અપહરણ કરી કુકર્મ આચરાયું'તુ, પોક્સો કોર્ટનો ચુકાદો
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
