સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં યોજાઈ રહેલી એકતા પદયાત્રા અંતર્ગત આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં વાસદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ પદયાત્રામાં સાંસદ મિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાસદ ગામથી એસ.વી.આઈ.ટી. કેમ્પસ સુધી 5.5 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું. પદયાત્રાના પ્રારંભે સાંસદ સહિતના મહાનુભાવોએ વાસદ ગામમાં આવેલી સરદાર પટેલની અર્ધપ્રતિમાને સુતરની આંટી અને ફૂલહાર અર્પણ કરી ભાવાંજલિ આપી હતી. ત્યારબાદ પદયાત્રાને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ પ્રસંગે શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને રમતગમત ક્ષેત્રે યોગદાન આપનાર રમતવીરોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિવૃત્ત સૈનિકો દિલીપસિંહ મહીડા અને નરેન્દ્રસિંહ પરમારનું પણ સાંસદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ મિતેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં એકતા પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢી સરદાર પટેલના દેશની આઝાદી અને 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવવામાં આપેલા યોગદાનને યાદ કરે તે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરદાર પટેલે દેશની આઝાદી માટે કરેલા અથાક કાર્યોમાંથી પ્રેરણા લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ દેશને એક તાંતણે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા એક દાયકાથી તેઓ દેશના સાંસ્કૃતિક વારસાના જતન માટે પણ કાર્યરત છે. કાર્યક્રમના અંતે સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા. મહાનુભાવોએ એસ.વી.આઈ.ટી. કેમ્પસના પ્રાંગણની બાજુમાં ઊભા કરાયેલા સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આણંદ પ્રાંત અધિકારી મયુર પરમાર, એસ.વી.આઈ.ટી.ના ચેરમેન ભાસ્કરભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યો, આરોગ્ય કર્મીઓ, વન કર્મીઓ, એન.એસ.એસ. અને માય ભારત (My Bharat)ના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી:વાસદમાં સાંસદ મિતેશ પટેલની ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઇ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
