સરવે:મુંબઈ મહાપાલિકા સંચાલિત મરાઠી સહિતના માધ્યમોની સ્કૂલોમાં ઘટાડો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

વિવિધ કારણોસર મહાપાલિકાની સ્કૂલો બંધ થવાનું જારી છે. ન્યૂ માહિમ સ્કૂલનો મુદ્દાના લીધે બંધ થતી સ્કૂલોની બાબત ફરી ચર્ચામાં છે. મુંબઈમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ માધ્યમની 28 સ્કૂલ બંધ કરવામાં આવ્યાનું પ્રકાશમાં આવ્યું છે. એમાં સૌથી વધુ 17 સ્કૂલ મરાઠી માધ્યમની છે. તેમ જ અન્ય માધ્યમની સ્કૂલોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જો કે એની સામે અંગ્રેજી સ્કૂલોની સંખ્યા વધી હોવાનું જણાયું છે. મુંબઈ મહાપાલિકાના શિક્ષણ વિભાગ અંતર્ગત સ્કૂલનો દરજ્જો અને શૈક્ષણિક ગુણવત્તા વધારવા વિવિધ ઉપક્રમ અમલમાં મૂકવામાં આવે છે. સ્કૂલોમાં પાયાભૂત સુવિધાઓ અને મહત્વની વાત એટલે ખાનગી સ્કૂલોની ન પરવડતી ફીના લીધે અનેક વાલીઓ મહાપાલિકાની સ્કૂલમાં સંતાનને દાખલ કરવાનું પસંદ કરે છે. આમ છતાં સ્કૂલોની સંખ્યા ઓછી થતી હોવાનું દેખાય છે. શિક્ષકોની કમી, રખડી પડેલું રિડેવલપમેંટ, પૂરતી દેખભાળના અભાવ જેવા કારણોસર મહાપાલિકાની સ્કૂલોની સંખ્યા ઓછી થઈ રહી છે. થોડા મહિના પહેલાં ભાંડુપમાં પાસપોલી મરાઠી સ્કૂલ નં.2 અને ખિંડીપાડા મરાઠી સ્કૂલ બંધ પડી હોવાનું જાહેર થયું હતું. એ પછી કોલાબા ખાતેની મહાપાલિકા સ્કૂલ પણ બંધ થઈ. તેથી શિક્ષક સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી. માહિમના મોરી રોડ પરની મહાપાલિકા સ્કૂલ થોડા વર્ષ પહેલાં પુનર્બાંધણી માટે તોડી પાડવામાં આવી હતી. આંકડાઓ શું જણાવે છે?
મહાપાલિકાની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ મળીને કુલ સંખ્યા 2021-22માં 1 હજાર 146 હતી. જો કે 2024-25માં આ સંખ્યા 1 હજાર 118 થઈ. એટલે કે ત્રણ વર્ષમાં 28 સ્કૂલ ઓછી થઈ. એમાં સૌથી વધારે 17 સ્કૂલ મરાઠી માધ્યમની છે. હિંદીની 3 અને ઉર્દૂની 3 એમ કુલ છ સ્કૂલનો ઘટાડો થયો. હાલની સ્થિતિમાં હિંદી માધ્યમની 216 અને ઉર્દૂ માધ્યમની 186 સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. દરમિયાન આ સ્કૂલોની સંખ્યામાં છ સ્કૂલનો ઘટાડો થયો છે અને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં 6 સ્કૂલનો વધારો થયો છે. 2021-22માં 54 સ્કૂલ હતી જે અત્યારે 60 છે. આ ત્રણ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એ સાથે જ શિક્ષકોની સંખ્યામાં ઘટાડો થયાનું જણાયું છે. 2021માં 2 લાખ 92 હજાર 825 વિદ્યાર્થીઓ માટે 9 હજાર 755 શિક્ષકો હતા. હવે 2024-25માં 3 લાખ 10 હજાર 426 વિદ્યાર્થીઓને ભણાવવા ફક્ત 8 હજાર 630 શિક્ષકો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *