ખંભાળિયામાં એક સીરિયન નાગરિકને વિઝા અવધિ પૂર્ણ થયા બાદ પણ એક વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા ઝડપી પાડવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લા SOG પોલીસે આ કાર્યવાહી કરી હતી. આ મામલે તેને મદદ કરનાર એક શાળા સંચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલા સીરિયન નાગરિકનું નામ શાખા અલી કામેલ મઈહબ (ઉંમર 29) છે, જે મૂળ સીરિયાના જાબલાહ (જેબલાહ) વિસ્તારનો રહેવાસી છે. તે ભારતમાં વિદ્યાર્થી વિઝા પર આવ્યો હતો, પરંતુ તેની વિઝા અવધિ ઘણા સમય પહેલા પૂર્ણ થઈ ગઈ હતી. તેમ છતાં, તે ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્ટ સ્કૂલ સામેની રામેશ્વરદીપ સોસાયટીમાં રહેતો હતો. પોલીસે આ પ્રકરણમાં પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક મહિપત મનજીભાઈ રામજીભાઈ કછટીયા (ઉર્ફે માહી સતવારા, ઉંમર 33) ની પણ અટકાયત કરી છે. મહિપત કછટીયા પણ રામેશ્વરદીપ સોસાયટી, ખંભાળિયાનો રહેવાસી છે. સીરિયન નાગરિકને ગેરકાયદેસર રીતે રહેવામાં મદદ કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ SOG અને LCB સહિતની ટીમો રાષ્ટ્રીય સુરક્ષાને લગતા પરિબળો પર નજર રાખી રહી છે. SOG ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.એસ.આઈ. કે.એમ. જાડેજા અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. ગત તારીખ 15ના રોજ સવારે પેટ્રોલિંગ દરમિયાન SOG ટીમને બાતમી મળી હતી કે પ્રેસિડેન્ટ સ્કૂલમાં એક વિદેશી યુવાન શંકાસ્પદ ગતિવિધિઓ સાથે રહે છે. આ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને શાળાના પ્રિન્સિપાલ ઓફિસની એડમિન ક્લાર્કની ઓફિસમાંથી શાખા અલી કામેલ મઈહબને ઝડપી પાડવામાં આવ્યો હતો. બંને આરોપીઓની વિધિવત રીતે અટકાયત કરીને વધુ તપાસ અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સીરિયન નાગરિક ખંભાળિયામાં એક વર્ષથી વિઝા વિના ઝડપાયો:વિદ્યાર્થી વિઝા પર આવ્યો હતો, મદદ કરનાર શિક્ષક પણ પકડાયો
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
