સુરતમાં લિસ્ટેડ બૂટલેગરની ઘર નજીક જ ઘાતકી હત્યા:ધોળા દિવસે મોપેડ રોકી બે આરોપીઓએ તીક્ષ્ણ હથિયારો વડે રહેંસી નાખ્યો, એકની અટકાયત

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

સુરતના લિંબાયત વિસ્તારમાં બપોરના સુમારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સ્થાનિક લિસ્ટેડ બૂટલેગર સુદામ પાટીલની તેના જ ઘર નજીક ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા પાછળ ધંધાકીય અદાવત કે પૈસાની લેતીદેતી મુખ્ય કારણ હોવાની પોલીસને પ્રાથમિક આશંકા છે. બે અજાણ્યા આરોપીઓએ બૂટલેગરનું મોપેડ અટકાવ્યું
લિંબાયત વિસ્તારમાં રહેતો અને પોલીસ ચોપડે લિસ્ટેડ બૂટલેગર તરીકે નોંધાયેલો સુદામ પાટીલ સોમવારે બપોરે અંદાજે 2 વાગ્યાની આસપાસ પોતાના મોપેડ પર કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો. તે પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે બે અજાણ્યા આરોપીઓએ તેનું મોપેડ અટકાવ્યું હતું. તીક્ષ્ણ હથિયાર વડે સુદામ પાટીલ પર જીવલેણ હુમલો કર્યો
મોપેડ રોકાવતા જ બંને આરોપીઓએ સુદામ પાટીલ પર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા આ હુમલામાં સુદામને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દિવસના અજવાળે ભરચક વિસ્તારમાં થયેલી આ હત્યાને કારણે સમગ્ર લિંબાયત વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ગણતરીના કલાકોમાં જ એક હત્યારાની અટકાયત
ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સુદામ પાટીલ બુટલેગર હતો અને તેની હત્યા પાછળનો હેતુ ગેરકાયદેસર ધંધામાં થયેલી અદાવત અથવા કોઈ રકમની લેતીદેતી હોઈ શકે છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ પૈકી એકની અટકાયત કરી લીધી છે. અન્ય ફરાર આરોપીને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરી દીધી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *