સુરત મનપાએ 25 યુનિયનો સામે ગાળિયો કસ્યો:નોટિસ બાદ પાલિકા કચેરીમાં 10 વર્ષથી ગેરકાયદે કબજો જમાવનારા 'લાલવાવટા' સહિત 11 યુનિયનને ઓફિસ ખાલી કરવા આદેશ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી “બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા” અને વહીવટી તંત્ર માટે ન્યૂશન્સ બની ગયેલા યુનિયનો સામે આખરે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચએ યુનિયનોની કાયદેસરતા પર પ્રશ્નાર્થ ઊભો કરીને કાયદેસરતા પુરવાર ન કરી શકનારા યુનિયનો સામે ગાળિયો કસ્યો છે. 10 વર્ષથી ગેરકાયદે કબજો જમાવનારા ‘લાલવાવટા’ સહિત 11 યુનિયનને ઓફિસ ખાલી કરવા આદેશ કર્યો છે. યુનિયનોની વધતી દખલગીરી સામે પગલાં
સુરત મનપામાં કેટલાક યુનિયન નેતાઓ દ્વારા મહેકમ-રિક્રુટમેન્ટ, ભરતી, બઢતી, બદલી અને લાયકાતો નિર્ધારણ જેવા વહીવટી નિર્ણયોમાં વારંવાર દખલગીરી કરવામાં આવતી હતી. છાસવારે સૂત્રોચ્ચાર, નારેબાજી અને મોરચાબંધી દ્વારા વહીવટી તંત્ર અને શાસકોનું નાક દબાવવાના પ્રયાસો થતા હતા. આ ગતિવિધિઓને ગંભીરતાથી લઈને, શાસકોની છૂટ મળતાં વહીવટી તંત્રએ કાર્યવાહીનું હોમવર્ક પૂર્ણ કર્યું હતું. ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચની ઐતિહાસિક નોટિસ
મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત, ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે હિંમતપૂર્વક પગલું ભરતા 25 યુનિયનો અને મંડળોના હોદ્દેદારોને પત્ર પાઠવ્યો હતો.તેમણે આ યુનિયનોને સાત દિવસમાં તેમની કાયદેસરતાના દસ્તાવેજો રજૂ કરવા નોટિસ ફટકારી હતી. મોટા ભાગનાં યુનિયનોને છેલ્લાં ત્રણ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન રજૂ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. ખાસ કરીને, 11 યુનિયનનું રજિસ્ટ્રેશન રદ થયેલું હોવાથી તેમને પણ સાત દિવસમાં ઓફિસનો કબજો ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ નોટિસને પગલે યુનિયનોમાં ફફડાટ ફેલાયો હતો. ‘લાલવાવટા’ યુનિયન દ્વારા ઓફિસ ખાલી
નોટિસ ફટકાર્યાને સાત દિવસનો સમયગાળો પૂર્ણ થતાં, લાલવાવટા યુનિયન તેમની કાયદેસરતા પુરવાર કરી શક્યું નહોતું. પરિણામે, યુનિયન દ્વારા બુધવારે જાતે જ ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી.અન્ય યુનિયનો દ્વારા ઓફિસ ખાલી ન કરાતા, ડે. કમિશનર નિધિ સિવાચની સૂચનાને પગલે સેન્ટ્રલ ઝોનની ટીમ દ્વારા અન્ય યુનિયનોના ઓફિસના બોર્ડ ઉતારી પાડવામાં આવ્યા હતા. ઓફિસ ખાલી કરવા માટે થોડો વધુ સમય આપવા વિનંતી કરી
સમય માગવા પહોંચેલા 11 યુનિયન બુધવારે છેલ્લો દિવસ હોવાથી, જે 11 યુનિયનો પાસે રજિસ્ટ્રેશન નહોતું અને જેઓ કાયદેસરતા રજૂ કરી શક્યા નહોતા, તેઓ ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચને મળવા પહોંચ્યા હતા. આ યુનિયનોએ ઓફિસ ખાલી કરવા માટે થોડો વધુ સમય આપવા વિનંતી કરી હતી. તેમજ અન્ય 5 યુનિયનના હોદ્દેદારો પુરાવા રજૂ કરવા પહોંચ્યા હતા. ડે. કમિશનરે આ રજૂ કરાયેલા પુરાવાનો અભ્યાસ કરવાની અને આ યુનિયનો દ્વારા ફાયનાન્શીયલી શું ગોટાળા કરાયા છે તેની ચકાસણી કરવાની વાત જણાવી હતી. જુના યુનિયનો ગયા નથી, ત્યાં નવા 3 યુનિયનની અરજી
નોંધનીય છે કે, 11 યુનિયનો મનપાની મુખ્ય કચેરી ખાતે ગેરકાયદેસર રીતે ઓફિસમાં કબજો જમાવીને બેઠા છે. તેમની પાસે 2015થી એટલે કે છેલ્લા 10 વર્ષથી રજિસ્ટ્રેશન નથી. તેમને ખાલી કરાવવાની કવાયત ચાલી રહી છે, તેવામાં ડેપ્યુટી કમિશનર પાસે નવા 3 યુનિયનોની અરજી પણ આવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે, જેઓ આ ઓફિસ ખાલી થવાની રાહ જોઈ રહ્યા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *