
Surat Education Committee : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અઘેડો વહીવટના કારણે શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને શાળા સત્ર પુરું થવાના ત્રણેક મહિના જેટલો સમય બાકી હશે ત્યારે સ્પોર્ટસ યુનિર્ફોમ મળશે. દરમિયાન નજીકના દિવસોમાં ખેલ મહાકુંભ શરુ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ સમિતિએ સ્પોર્ટસ યુનિર્ફોમ માટે દોઢ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ જુનો જ સ્પોર્ટ્સ યુનિફોર્મ પહેરવા પડશે. જોકે, શાસકો લુલો બચાવ કરે છે કે, ગત વર્ષે જાન્યુઆરીમાં જ સ્પોર્ટ્સ, યુનિફોર્મ આપ્યા છે તેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે. પાલિકા યુનિફોર્મ આપશે ત્યારે સત્ર પુરું થવા આડે માંડ ત્રણેક મહિનાનો સમય રહેશે તેથી આ સમયે સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવાનો અર્થ શું રહેશે તે અંગે અનેક ચર્ચા થઈ રહી છે.
સમિતિની શાળામાં સ્પોર્ટ્સ ટીચરનો અભાવ છે તેવામાં આગામી નજીકના દિવસોમાં ખેલ મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે જેમાં શિક્ષણ સમિતિની શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભાગ લેશે ખેલ મહાકુંભ આડે ગણતરીના દિવસો છે ત્યારે હજી સુધી સમિતિના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ મળ્યા નથી.
