સુરેન્દ્રનગરમાં 'મિશન શક્તિ' હેઠળ જાગૃતિ કાર્યક્રમ:216 દીકરીઓને સાયબર સુરક્ષા અને સ્વ-બચાવની તાલીમ અપાઈ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સુરેન્દ્રનગરમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા શ્રીમતી સદ્ગુણા સી.યુ.શાહ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ‘મિશન શક્તિ’ યોજના હેઠળ ત્રિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 216 વિદ્યાર્થિનીઓએ સાયબર સુરક્ષા, સ્વ-બચાવ અને ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અંગે માહિતી મેળવી હતી. ભારત સરકારની ‘મિશન શક્તિ’ યોજના અંતર્ગત કાર્યરત ‘સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન’ (DHEW) સ્ટાફ દ્વારા ગૃહવિભાગ અને શિક્ષણ વિભાગના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેનો મુખ્ય હેતુ દીકરીઓને સાયબર ક્રાઇમ, સાયબર સેફ્ટી અને સોશિયલ મીડિયાના જવાબદાર ઉપયોગ અંગે જાગૃત કરવાનો તેમજ સ્વ-બચાવની તાલીમ આપવાનો હતો. આ પ્રસંગે જિલ્લા મહિલા બાળ અધિકારી વી.એસ. શાહે દીકરીઓના સશક્તિકરણ અને સરકારની વિવિધ યોજનાઓ વિશે ઉદબોધન કર્યું હતું. જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પાબેન ચંદેશરાએ કાર્યક્રમનો હેતુ અને તેની રૂપરેખા રજૂ કરી હતી. સાયબર ક્રાઇમના પી.આઇ. સોલંકીએ વિદ્યાર્થિનીઓ અને ઉપસ્થિતોને સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારો, તેનાથી બચવા માટેની સાવચેતીઓ અને જો કોઈ ભોગ બને તો તાત્કાલિક કોને જાણ કરવી તે અંગે વિગતવાર અને સચોટ માહિતી આપી હતી. આ માહિતી સહભાગીઓ માટે અત્યંત ઉપયોગી નીવડી હતી. શાળાના આચાર્ય શિલ્પાબેન સી. લાંઘણોજાએ પણ પ્રસંગોચિત ઉદબોધન કરીને આવા જાગૃતિ કાર્યક્રમોના મહત્વ પર ભાર મૂક્યો હતો અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાયબર જાગૃતિ સેશન અને સેલ્ફ ડિફેન્સ તાલીમ ઉપરાંત, શાળાની દીકરીઓએ ‘બેટી બચાવો બેટી પઢાઓ’ના સંદેશ સાથે જાગૃતિ રેલી યોજીને સમાજમાં દીકરીઓના મહત્વ અને શિક્ષણ અંગે જાગૃતિ ફેલાવી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *