
– પોલીસ પૂર્વનિર્ધારિત ચક્કાજામના કાર્યક્રમને રોકવામાં નિષ્ફળ : કોંગ્રેસ સફળ
– હાઇવે પર ચક્કાજામથી વાહનો થંભી ગયા : ભાજપ પર મતદાર યાદીમાંથી નામ કમી કરવાના આક્ષેપ સાથે વિરોધ કરતા 100 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત
સુરેન્દ્રનગર,લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી : સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર ૭ (નામ કમી કરવા માટે)નો ઉપયોગ કરી અંદાજે ૨૪,૦૦૦ જેટલા મતદારોના નામો ખોટી રીતે કમી કરવા ફોર્મ ભરનાર જવાબદારો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ મેદાને ઉતરી હતી. જિલ્લાના મુખ્ય માર્ગો અને નેશનલ હાઈવે પર કોંગ્રેસી કાર્યકરોએ ટાયરો અને લાકડા સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગર પોલીસ કોંગ્રેસના આ પૂર્વનિર્ધારિત ચક્કાજામના કાર્યક્રમને રોકવામાં નિષ્ફળ નીવડી હોય તેમ જણાતું હતું, કારણ કે કાર્યકરોએ કલાકો સુધી રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે જિલ્લાભરમાંથી ૧૦૦થી વધુ કાર્યકરો અને અગ્રણીઓની અટકાયત કરી તેમને નજરકેદ કર્યા હતા.
