સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરના લેવાયેલું BCA સેમેસ્ટર 5 નું 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ જાહેર કરવામાં આવ્યું છે કારણકે જામનગરની એચ.જે દોશી કોલેજના પ્રિન્સિપાલ દ્વારા પોતાની કોલેજમાં ઇન્ટર્નલ પરીક્ષા માટે જે પેપર કાઢવામાં આવ્યું હતું તે જ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં કાઢવામાં આવતા ABVP ના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં બંને પેપર એક સરખા હોવાનું સાબિત થતા યુનિવર્સિટીએ પેપર રદ કરવું પડ્યું છે. હવે આ થિયરી પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે. જેનાથી 2200 વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે, ગત 12 નવેમ્બરના લેવાયેલુ બીસીએસ સેમેસ્ટર 5 નું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર એક સરખું નીકળ્યું હોવાથી આ પેપર રદ કરવામાં આવે છે. હવે આ આ પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે. જોકે તેમાં ગંભીર ભૂલ કરતા અધ્યાપકને કોઈપણ જાતની સજા જાહેર કરવામાં આવી નથી કે આ અધ્યાપકની ભૂલ ન કારણે ફરીથી પેપર લેવાની ફરજ પડી છે તેવું પણ પરિપત્રમાં ક્યાંય લખવામાં આવ્યું નથી. જેથી યુનિવર્સિટી અધ્યાપકને બચાવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 13 નવેમ્બરના રોજABVP ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ ધરમ સોઢીયાની આગેવાનીમાં થયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, આજના બીસીએસ સેમેસ્ટર -5 ના પ્રોગ્રામિંગ ઇન પાયથન વિષયના પેપરમાં છબરડા સામે આવ્યા હતા. જામનગરની એચ.જે.દોશી કોલેજની ઇન્ટર્નલ પરીક્ષામાં લેવાયેલું પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં લેવામાં આવ્યું હતું. બંને પેપર એક સરખા હતા. જેથી પેપર સેટ કરનાર જામનગરની દોશી કોલેજના અધ્યાપક હિરલ પંડ્યા દ્વારા ગંભીર ભૂલ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો અને તે સાચો ઠર્યો હતો કારણકે બંને પેપર એક સરખા જ હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓના આ પ્રશ્નને લઈને યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે તે સમયે કુલપતિ હાજર ન હોવાથી VC ડૉ.ઉત્પલ જોશી ગાયબ છે તેવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા જે બાદ ઇન્ચાર્જ રજીસ્ટ્રાર મનીષ ધામેચાને રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રશ્ન પરીક્ષા વિભાગનો હોવાથી ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ અને OSD નિલેશ સોનીને જાણ કરવામાં આવી હતી. જે પછી હવે પેપર રદ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે.
સૌરાષ્ટ્ર યુનિ.નું BCA સેમ.5 નું પેપર રદ:એક અધ્યાપકના લીધે 2200 વિદ્યાર્થીઓએ પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર ફરી વખત આપવું પડશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
