સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે સ્પોર્ટ્સની 3 નેશનલ ઇવેન્ટની યજમાની પ્રાપ્ત થઈ છે. જેમાં ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સ્પર્ધા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી તો ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્પર્ધા 7 થી 10 ફેબ્રુઆરીના રમાશે. જ્યારે બહેનોની હેન્ડ બોલની ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોનની સ્પર્ધા 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. જેથી કહી શકાય કે દેશની ઇન્ટર યુનિવર્સિટીની આ સૌથી મોટી ઇવેન્ટમાં રમવા માટે રણજી તેમજ IPL માં રમી ચૂકેલા નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ આવશે. જેમની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડશે ત્યારે આ ક્રિકેટ સ્પર્ધાનું સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટરના હસ્તે ઉદ્ઘાટન કરવાનું પણ આયોજન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે ત્રણ સ્પોર્ટ્સની નેશનલ ઇવેન્ટની યજમાની કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ગત વર્ષે હેન્ડબોલ ભાઈઓની વેસ્ટ ઝોનની સ્પર્ધા અહીં યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ચેમ્પિયન બની હતી ત્યારે આ વખતે હેન્ડ બોલ બહેનોની વેસ્ટ ઝોનની સ્પર્ધા અહીં યોજાશે. જ્યારે ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સ્પર્ધા તો યોજાશે જ પરંતુ ગુજરાતમાં સંભવત પ્રથમ વખત ઓલ ઇન્ડિયા ક્રિકેટ ભાઈઓની ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીના નેજા હેઠળ યોજાનારી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ક્રિકેટ ભાઈઓમાં 70 અને હેન્ડબોલ બહેનોની સ્પર્ધામાં ભાગ લેવા માટે સરકારી અને ખાનગી મળી 70 યુનિવર્સિટીની એન્ટ્રી આવી ચૂકી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યુ હતુ કે, ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ત્રણ સ્પર્ધાનું આયોજન કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેમાં જાન્યુઆરીમાં ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન સ્પર્ધા યોજાશે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં ઓલ ઇન્ડિયા ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં હેન્ડબોલ બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. વેસ્ટ ઝોનની સ્પર્ધામાં ટોપ ચાર ટીમ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી માટે રમશે આ ઉપરાંત તેમાં નોર્થ, સાઉથ અને ઇસ્ટ ઝોનની ટોપ ચાર ટીમ એમ કુલ 16 ટીમ ભાગ લેશે. જેમાં રણજી તેમજ IPL ના ક્રિકેટર રમતા જોવા મળશે. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ખેલાડીઓ વિજય હજારે ટ્રોફી માટે પસંદગી પામશે તો સાથે જ વર્લ્ડ યુનિવર્સીટી ગેમમાં પણ રમવાનો તેઓને મોકો મળશે. ટી – 20 ફોર્મેટમાં યોજાનારી ક્રિકેટ સ્પર્ધામાં અંડર – 25 ના ખેલાડીઓ ભાગ લેવાના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાનારી નેશનલ કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરાંત રાજકોટના અન્ય પાંચ જેટલા મેદાનો રાખવામાં આવશે કે જ્યાં આ ઈવેન્ટ યોજાશે. સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટર દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન થાય અને તેનાથી અન્ય ખેલાડીઓ પ્રોત્સાહિત થાય તેવું યુનિવર્સિટીના સત્તાધીશોનું આયોજન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ આ ટુર્નામેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી શકે તે માટે ક્રિકેટ અને હેન્ડ બોલમાં 30 દિવસનો કેમ્પ યોજવામાં આવશે. ઘર આંગણે સ્પર્ધા થઈ રહી છે ત્યારે રિઝલ્ટની અપેક્ષા છે. આ ઉપરાંત એથલેટિક્સ, આર્ચરી, જુડો, કુસ્તી અને કબડ્ડી બહેનોની સ્પર્ધામાં મેડલ મળે તેવી અપેક્ષા છે. ગત વર્ષ કરતાં પણ આ વખતે ઓલ ઇન્ડિયા અને વર્લ્ડ યુનિવર્સિટી ગેમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ ખુબ જ સારું પરફોર્મન્સ આપે તેવી અપેક્ષા છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં રણજી, IPL ના નેશનલ – ઈન્ટરનેશનલ ખેલાડીઓ રમશે:ક્રિકેટ ભાઈઓની ઇન્ટર યુનિ. વેસ્ટ ઝોન – ઓલ ઇન્ડિયા ગેમ્સની યજમાની મળી, બહેનોની વેસ્ટ ઝોનની હેન્ડબોલ સ્પર્ધા પણ યોજાશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
