- મહેસાણા હાઈવે પર શબરી પ્લાઝામાં યુવક તેના મિત્રને મળવા આવ્યો હતો
- જૂની અદાવતમાં હત્યા થયાનું પોલીસનું કથન
- સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
હારીજ-મહેસાણા હાઈવે પર આવેલ શબરી પ્લાઝામાં એક યુવક તેના મિત્રને મળવા માટે આવ્યો હતો. તે મિત્રની રાહ જોઈ બેઠો હતો. તે સમયે તેની પાછળથી બે યુવકો આવીને ગળાના ભાગે છરી જેવા તીક્ષ્ણ હથીયાર વડે ઉપરા છાપરી 12 થી 13 ધા મારી યુવકને મોતને ઘાટ ઉતારી કારમાં ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
હારીજમાં ગામ દરવાજા વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ બાબરભાઈ દેસાઈ તેમના મિત્રને મળવા માટે આવ્યા હતા. તે સમયે તે કંઈ સમજે તે પહેલા તેની પાછળથી નાગજી ભીખાભાઈ દેસાઈ અને અનિલ ઠાકોરે પાછળથી આવીને હાર્દિકના વાળ પકડી હાર્દિકના ગળાના, માથાના, છાતીના ભાગે છરી જેવા તીક્ષ્ણ હથીયારના ઉપરા છાપરી 12 થી 13 ધા મારી હાર્દિકની હત્યા કરી હતી. હુમલા બાદ હુમલાખોરો કાર લઈને ફરાર થયા હતા. આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં હુમલાખોરો યુવકને છરીના ઘા મારતા સ્પષ્ટ દેખાતા હતા. પોલીસે આરોપી નાગજી દેસાઈ અને અનિલ ઠાકોરને પકડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે, મૃતક હાર્દિકના પિતા બાબરભાઈના જણાવ્યા મુજબ આજથી આઠ દસ વર્ષ પહેલા રબારી સમાજ દ્વારા લોકફાળોથી હારીજ તળાવની પાળે સિકોતર માતાજીનું મંદિર બનાવેલ જેમાં બાબરભાઈએ મોટો ફાળો આપતાં મંદિરની પ્રતિષ્ઠા ધામધૂમથી થયેલી અને જેના એક વર્ષ બાદ મંદિરની તિથી આવતાં સામાપક્ષ વાળાએ બાબરભાઈનો વિરોધ કરી આમંત્રણ પત્રીકામાં નામ લખાવવા દિધેલ નહીં જેથી બન્ને પક્ષે મનદુઃખ ચાલ્યું આવતું હતું. ત્યારબાદ સમયાંતરે સામસામે ઘર્ષણની ઘટના બની હતી.
