હિંમતનગરના ટાવર ચોકમાં મંગળવારે શાકભાજીની લારીઓ લગાવવા બાબતે બે લારીવાળા વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના બાદ બી ડિવિઝન પોલીસ અને હિંમતનગર નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટાવર ચોકમાં શાકમાર્કેટ ઉપરાંત રોડ પર પણ શાકભાજી અને ફ્રુટની લારીઓ ઊભી રહે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. મંગળવારે એક લારીવાળાએ સરકારી રોડ પર લારી ઊભી કરી હતી, ત્યારે અન્ય લારીવાળાએ ‘આ મારી જગ્યા છે’ કહીને વાંધો ઉઠાવ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને મારામારી સુધી પહોંચી ગયું. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મારામારી કરનારા લારીવાળાના ત્રાજવા જપ્ત કર્યા હતા, જ્યારે નગરપાલિકા દ્વારા રોડ પરથી ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી લારીઓને હટાવવામાં આવી હતી. મારામારી કરનારા શાકભાજીના લારીવાળા બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગરમાં ટાવર ચોકમાં લારીવાળા ઝઘડ્યા:રોડ પર જગ્યા બાબતે મારામારી, પોલીસે ત્રાજવા જપ્ત કર્યા
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
