હુમલાખોરોએ ખાર રાખી ધમાલ મચાવી:બે મિત્ર પર માથાભારે ટોળકીએ હુમલો કરી યુવકના પગ ભાંગી નાખ્યા, રિક્ષામાં તોડફોડ

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

શહેરના ભગવતીપરામાં બુધવારે બપોરે રિક્ષામાં બેઠેલા બે મિત્ર પર માથાભારે શખ્સો તૂટી પડ્યા હતા. રિક્ષામાં તોડફોડ કરી એક યુવકને ધોકા-પાઇપના ઘા ઝીંકી તેના બંને પગ ભાંગી નાખ્યા હતા. ઘવાયેલા યુવકના મિત્રના ભાઇને અગાઉ હુમલાખોરના પિતા સાથે બોલાચાલી થઇ હતી તેનો ખાર રાખી માથાભારે શખ્સોએ ધમાલ મચાવી હતી. ભગવતીપરામાં હુશેનિયા મસ્જિદ પાસે રહેતો અને ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો સમીર અયુબભાઇ સોરા (ઉ.વ.27) તેના રિક્ષાચાલક મિત્ર સિકંદર હારૂનભાઇ રાઉમા સાથે તેની રિક્ષામાં બેસી ચા પીવા ગયો હતો. ચા પીને બંને મિત્ર બપોરે બારેક વાગ્યે પરત પોતાના ઘર તરફ જવા રવાના થયા હતા અને ભગવતીપરામાં આઝમ ચોક પાસે પહોંચ્યા હતા ત્યારે ભગવતીપરાના જાહીદ ઉર્ફે જાવલો યુસુફ, ગૌરાંગ ઉર્ફે ગવલો બાવાજી, મંડપ સર્વિસ વાળાના ત્રણ પુત્ર સહિત છ જેટલા શખ્સે ધસી આવી આંતરીને રિક્ષા ઊભી રખાવી દીધી હતી. બંને મિત્ર કંઇ સમજે તે પહેલાં જ તમામ શખ્સો ધોકા-પાઇપના ઘા રિક્ષા પર ઝીંકવા લાગ્યા હતા અને રિક્ષામાં તોડફોડ કરી હતી. રિક્ષામાંથી નીચે ઉતરેલા સમીરને કહ્યું હતું કે, તું સિકંદરની સાથે કેમ ફરે છે? ત્યારબાદ તમામ હુમલાખોરો સમીર સોરા પર ધોકા-પાઇપથી તૂટી પડ્યા હતા. સરાજાહેર હિચકારો હુમલો થતાં લોકો એકઠા થવા લાગતાં હુમલાખોરો નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા સમીર સોરાને બંને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઇ હતી. સમીર સોરાએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે, સિકંદર રાઉમાના ભાઇને વર્ષો પહેલાં ગૌરાંગ ઉર્ફે ગવલાના પિતા સાથે માથાકૂટ થઇ હતી અને તે સમયે તે બાબતે ફરિયાદ પણ થઇ હતી ત્યારથી ગૌરાંગ ઉર્ફે ગવલો અવારનવાર સિકંદર સાથે ઝઘડા કરતો હતો. સમીર મિત્ર સિકંદર સાથે ફરતો હોય તે ગૌરાંગ અને તેના મળતિયાઓને પસંદ નહીં પડતાં હુમલો કર્યો હતો. ઘટનાને પગલે બી-ડિવિઝન પોલીસે દોડી જઇ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *