હોટલમાં ચા પીવા ગયેલા યુવકનું માથું ફૂટ્યું:જામનગરમાં બે જૂથના ઝઘડામાં તવીથાથી હુમલો, ત્રણ સામે ફરિયાદ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચા પીવા ગયેલા યુવાનને અન્ય જૂથોના ઝઘડાનો ભોગ બનવું પડ્યું છે. ત્રણ શખ્સોએ યુવાનના માથામાં તવીથાથી હુમલો કરતાં તેને ગંભીર ઈજા થઈ હતી. લોહીલુહાણ હાલતમાં તેને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં માથામાં ટાંકા લેવા પડ્યા છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવની વિગત મુજબ, પુનિત નગર વિસ્તારમાં રહેતો અને મંડપ સર્વિસ ચલાવતો ૨૪ વર્ષીય શક્તિસિંહ ઉર્ફે સંજય વિભાજી જાડેજા પોતાના માસીયાઈ ભાઈ જયપાલસિંહ સાથે નીલકમલ સોસાયટીમાં મંડપ છોડાવવા ગયો હતો. કામ પતાવ્યા બાદ બંને શક્તિ કૃપા નામની ચાની હોટલમાં ચા પીવા માટે ઊભા હતા. તે સમયે હોટલ પાસે બે જૂથો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. એક જૂથના મીત સંજયભાઈ સોઈગામા, તુષાર બારોટ અને જયપાલ નામના શખ્સોએ શક્તિસિંહ અને જયપાલસિંહને વિરોધી જૂથના સભ્યો માની લીધા હતા. આ ગેરસમજને કારણે તેઓએ ચા પીવા આવેલા બંને યુવાનો પર હુમલો કરી દીધો. આરોપીઓએ હોટલમાંથી તવીથો લઈ આવીને શક્તિસિંહના માથામાં ફટકાર્યો હતો, જેના કારણે તેને ઊંડો ઘા પડ્યો અને પુષ્કળ લોહી વહેવા લાગ્યું. હુમલા બાદ શક્તિસિંહને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથામાં ટાંકા લેવા પડ્યા હતા. તેને હેમરેજ સહિતની અન્ય ઈજાઓ પણ થઈ છે. આ ઘટનાની જાણ થતાં સીટી સી. ડિવિઝનના પીઆઇ એન. બી. ડાભી અને તેમની ટીમ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી હતી. ઇજાગ્રસ્ત શક્તિસિંહ જાડેજાની ફરિયાદના આધારે પોલીસે મીત સંજયભાઈ સોઈગામા, તુષાર બારોટ અને જયપાલ સામે હુમલાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *