સુરત સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનારા 100 કરોડના ચકચારી સાયબર ફ્રોડ કેસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પોતાની કાર્યવાહી તેજ કરી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલા ગુના બાદ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહેલી EDએ આ કેસના મુખ્ય સૂત્રધાર ગણાતા ડૉ. મકબુલ અબ્દુલ રહેમાન અને તેના પરિવારની ‘આર્થિક નસ’ દબાવી દીધી છે. EDએ મોટી કાર્યવાહી કરતા ડૉ. મકબુલ, તેમની પત્ની અને પુત્રના નામે રહેલી કુલ રૂપિયા 2,13,37,000 ની ત્રણ સંપત્તિઓ ટાંચમાં લીધી છે. આ ત્રણ સંપત્તિ ટાંચમાં લેવામાં આવી
EDની તપાસમાં બહાર આવ્યું હતું કે, સાયબર ફ્રોડના કાળા નાણાંનો ઉપયોગ કરીને આરોપીઓએ કરોડોની સ્થાવર મિલકતો વસાવી હતી. આ દિશામાં તપાસ બાદ EDએ ત્રણ મુખ્ય મિલકતો ટાંચમાં લીધી છે. ચોર્યાસી તાલુકામાં આવેલી કિંમતી જમીન
પહેલી કાર્યવાહી ચોર્યાસી તાલુકામાં આવેલી જમીન પર કરવામાં આવી છે. અહીંના રેવન્યુ સર્વે નંબર 2046, 2055-A અને 2055-B વાળી જમીન, જે મુખ્ય આરોપી મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર અને તેની પત્ની સોમૈયા મકબુલ ડોક્ટરના સંયુક્ત નામે હતી, તેને ટાંચમાં લેવામાં આવી છે. સરકારી ચોપડે આ જમીનની કિંમત રૂપિયા 1,21,45,000 આંકવામાં આવી છે. જલાલપુરમાં આવેલો ‘દીવાને ખાસ’
બીજી મોટી મિલકત નવસારી નજીક જલાલપુર ખાતે આવેલી છે. અહીં ‘દીવાને ખાસ’ પ્રોજેક્ટમાં આવેલો બ્લોક નંબર 145 અને પ્લોટ નંબર 64, જેની કિંમત રૂપિયા 86,22,000 છે, તેને પણ જપ્ત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સંપત્તિ માત્ર ડૉ. મકબુલની પત્ની સોમૈયા મકબુલના નામે નોંધાયેલી હતી. EDએ આ સંપત્તિને ફ્રોડના રૂપિયાથી વસાવેલી ગણીને ટાંચમાં લીધી છે. ગોપીપુરામાં આવેલી કોમર્શિયલ દુકાન
ત્રીજી કાર્યવાહી ડૉ. મકબુલના પુત્ર કાશિફ મકબુલની સંપત્તિ પર થઈ છે. સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા જાણીતા ‘મન મંદિર કોમ્પ્લેક્સ’ માં આવેલી કોમર્શિયલ શોપ નંબર-5 (દુકાન નં. 5) ને ટાંચમાં લેવામાં આવી છે. આ દુકાન કાશિફના નામે હતી. આમ, EDએ ડૉક્ટર સાથે તેમના પરિવારના સભ્યોની સંપત્તિ પણ જપ્ત કરી લેતા આરોપી પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. શું છે 100 કરોડનું કૌભાંડ? કેવી રીતે થઈ EDની એન્ટ્રી?
વર્ષ 2024માં સુરત SOG એ એક મેગા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં ખૂલ્યું હતું કે, આરોપીઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મહિને 10 થી 12 હજાર રૂપિયા કમિશન આપવાની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. ત્યારબાદ ડિજિટલ અરેસ્ટ, નકલી સમન્સ અને ઓનલાઈન છેતરપિંડી દ્વારા ભોળી જનતા પાસેથી પડાવેલા કરોડો રૂપિયા આ ભાડાના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા. આ નાણાંને તુરંત જ USDTમાં કન્વર્ટ કરી દુબઈ અને અન્ય વિદેશી દેશોમાં મોકલી દેવામાં આવતા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આ કૌભાંડ 100 કરોડથી પણ વધુનું હોવાનું મનાય છે. આ કેસમાં આંતરરાષ્ટ્રીય હવાલા અને મની લોન્ડરિંગની ગંધ આવતા જ EDએ તપાસમાં ઝંપલાવ્યું હતું. EDના દરોડા અને તપાસનો ધમધમાટ
આ પ્રકરણમાં EDએ અગાઉ મુખ્ય સૂત્રધાર મકબુલ ડોક્ટરના ભાગાતળાવ સ્થિત નિવાસસ્થાન સહિત ત્રણ અલગ-અલગ ઠેકાણે દરોડા પાડ્યા હતા. સુરત ઉપરાંત અમદાવાદમાં પણ EDની ટીમો સક્રિય છે. EDનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે 100 કરોડનું ફંડિંગ ક્યાં ગયું? કોના દ્વારા ગયું અને તેનો અંતિમ લાભાર્થી કોણ છે?
મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધાયેલા આ કેસમાં EDએ સાબિત કરવા માંગે છે કે, જે સંપત્તિઓ ટાંચમાં લેવામાં આવી છે, તે ‘પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ’ માંથી ખરીદવામાં આવી છે. આરોપીઓની લાંબી યાદી અને મોડસ ઓપરેન્ડી
SOGએ 15 ઓક્ટોબર 2024 ના રોજ ડૉ. મકબુલ, કાશિફ મકબુલ અને માઝ નાડા સામે ભારતીય ન્યાય સંહિતા (BSS)ની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપીઓએ બોગસ કંપનીઓ બનાવી હતી અને પ્રિ-એક્ટિવ સિમકાર્ડનો ઉપયોગ કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું. આ કેસમાં તપાસ દરમિયાન અન્ય મોટા માથાઓના નામ પણ ખુલ્યા છે, જેમાં કુખ્યાત ઉદેહ આરીફ મિન્ડી, અલી બિલાલ ઝવેરી, પીરમોહમ્મદ મેમણ, સત્યમ ગુપ્તા, ઓમ રાજેન્દ્ર પંડ્યા, મિતેશ ઠક્કર, અંકિત બુંદેલા અને અબરારખાન પઠાણનો સમાવેશ થાય છે. હાલમાં ED દ્વારા 2.13 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાતા સાયબર માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ સંપત્તિઓ ટાંચમાં લેવાય અને વધુ ધરપકડો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
100 કરોડના સાયબરફ્રોડ કેસમાં EDએ ડૉ. મકબુલની 'આર્થિક નસ' દબાવી:ડૉ. મકબુલ, પત્ની અને પુત્રની 2.13 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ, મની લોન્ડરિંગ એકટ મુજબ કાર્યવાહી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
