Amreli News: આખરે હિંસક સિંહણ પાંજરે પુરાઈ, મહિલાનો ભોગ લેનાર સિંહણને પકડવા વન વિભાગનું સફળ ઓપરેશન

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે ગઈકાલે બનેલી કરુણ ઘટના બાદ વન વિભાગને મોટી સફળતા મળી છે. ખેતરની વાડીમાં કામ કરી રહેલા મહિલા પર જીવલેણ હુમલો કરનાર હિંસક સિંહણને વન વિભાગે પાંજરે પૂરી દીધી છે. આ સમાચાર મળતા જ છેલ્લા 24 કલાકથી ભયના ઓથાર હેઠળ જીવી રહેલા સ્થાનિક ગ્રામજનો અને ખેતમજૂરોએ રાહતનો શ્વાસ લીધો છે.

ધારીના ગોવિંદપુર ગામે વન વિભાગની કાર્યવાહી

ગઈકાલે ગોવિંદપુર ગામે સિંહણે મંજુલાબેન સોલંકી નામના મહિલા પર હુમલો કરી તેમનો જીવ લીધો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે રોષ અને ભય ફેલાયો હતો. વન વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવી સિંહણને ટ્રેસ કરવાની કામગીરી હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાં વ્યૂહાત્મક રીતે ત્રણથી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આખી રાત ચાલેલા સર્ચ ઓપરેશન બાદ આખરે હિંસક સિંહણ પાંજરામાં કેદ થઈ હતી.

ઘટના બાદ સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગોવિંદપુર અને આસપાસના ગામડાઓમાં સિંહણના આતંકને કારણે ખેડૂતો વાડીએ જતાં ડરી રહ્યા હતા. ખાસ કરીને મહિલાના મોત બાદ ખેતમજૂરોમાં પણ ફફડાટ હતો. સિંહણ પાંજરે પુરાતા હવે લોકોમાં શાંતિનો માહોલ છે. વન વિભાગ દ્વારા આ સિંહણને હવે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યાં તેના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *