બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસામાં બનાસ નદીના પુલ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એકસાથે ચાર વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અકસ્માતમાં 6થી વધુ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી વિગતો અનુસાર, ડીસા-બનાસ પુલ પર એક ઈકો ગાડી, બે ખાનગી લક્ઝરી બસ અને એક ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, વાહનોના કુરચા બોલાઈ ગયા હતા. અચાનક સર્જાયેલી આ ટક્કર બાદ મુસાફરોની ચીકિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
ઇજાગ્રસ્તોની સ્થિતિ
આ અકસ્માતમાં અંદાજે 6 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.
ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન
પુલ પર ચાર વાહનો અકસ્માતગ્રસ્ત થતા રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. જેને કારણે પુલની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કામકાજ અર્થે નીકળેલા હજારો વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ ડીસા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
