અરવલ્લી જિલ્લો માદક પદાર્થોના વેચાણ, વપરાશ અને હેરાફેરીનો હબ બન્યો હોય તેમ 24 જ કલાકમાં ડ્રગ્સનો જથ્થો પકડાતા ચકચાર મચી છે.
જેમાં જિલ્લા પોલીસે આજે વહેલી સવારે વડાગામથી ધનસુરા જતા હાઈ-વે પર પાંચકુહાડા ગામની સીમમાં ક્રેટા કારમાં જતા ત્રણ શખ્સો પાસેથી 44.97 ગ્રામ ડ્રગ્સ (મેફેડ્રોન)નો જથ્થો જપ્ત કર્યો હતો.
જિલ્લા પોલીસે મોડાસા તાલુકાના માથાસુલીયા ગામેથી ગતરોજ રૂ. 8.47 લાખનો ગાંજો જપ્ત કરી એક શખ્સને દબોચી લીધો હતો. આ ઘટનાને હજુ 24 કલાક થયા નથી ત્યા આ જ પ્રકારની વધુ એક ઘટના બની છે. સુત્રો મુજબ જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે વડાગામથી ધનસુરા જતા હાઈ-વે પર માદક પદાર્થ લઈને કારમાં કેટલાક શખ્સો પસાર થઈ રહ્યા છે. આ બાતમીના આધારે અરવલ્લી જિલ્લા પોલીસે આજે વહેલી સવારે લગભગ 05:10 કલાકના અરસામાં પાંચકુહાડા ગામની સીમમાં કાર્યવાહી હાથ ધરી હતી. બાતમી મુજબની કાળા કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર (નંબર જીજે 27 ઈએ 8697) આંતરી હતી. કારમાં ત્રણ શખ્સો બેઠેલા હતા. તેમની તલાશી લેતા પેન્ટના ખીસ્સામાંથી પ્લાસ્ટીકની થેલીઓમાં ભરેલો માદક પદાર્થ મેફેડ્રોન મળી આવ્યો હતો. કુલ 44.97 ગ્રામ માદક પદાર્થ કે જેની બજાર કિંમત રૂ. 1,34,910 થવા જાય છે તે મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. ત્રણેયને ડ્રગ્સ આપનારા ચોથા આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે રૂ. 1,34,910ની કિંમતનું 44.97 ગ્રામ મેફેડ્રોન માદક પદાર્થ, રૂ. 27500ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન, રૂ. 8 લાખની કાર મળી કુલ રૂ. 9,62,410ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
