Bhanvadમાં ખેડૂતોએ સેટેલાઇટ સર્વેની નીતિ સામે નોંધાવ્યો ઉગ્ર વિરોધ, ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ સેટેલાઇટ સર્વેની નીતિ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે એકઠા થઈને આવેદનપત્ર પાઠવી સરકારની આ નીતિઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનો મુખ્ય વિરોધ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેના ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં તેમની અરજીઓ મોટા પાયે નામંજૂર થવાને લઈને છે.

સેટેલાઇટ સર્વેનો વિરોધ કરી મામલતદારને આપ્યું આવેદન

ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓએ રજિસ્ટ્રેશન વખતે ફોર્મ નં. 12માં મગફળીના પાકનું વાવેતર દર્શાવ્યું હતું અને તેના પર તલાટી મંત્રીની સહી પણ હતી. તેમ છતાં સેટેલાઇટ સર્વેમાં મોટી સંખ્યામાં તેમની અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે તલાટી દ્વારા ખરાઈ કર્યા પછી પણ સરકારને સેટેલાઇટ સર્વેના આધારે ખબર પડી છે કે મગફળીનું વાવેતર નથી. આ દર્શાવે છે કે સરકારને તલાટી પર વિશ્વાસ નથી પણ સેટેલાઇટ પર છે.

સેટેલાઇટ સર્વેમાં અરજીઓ નામંજૂર થતા નોંધાવ્યો વિરોધ

આ પરિસ્થિતિએ ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂક્યા છે. વધુમાં કેટલાક ખેડૂતોને વાંધા અરજી મૂકવા માટે મેસેજ મોકલવામાં આવ્યા છે. પરંતુ તેના માટે માત્ર ત્રણ દિવસની ટૂંકી મુદત આપવામાં આવી છે. ખેડૂતોએ જણાવ્યું કે સરકારની આ નીતિઓથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. આ મામલે જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતોએ ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ સમગ્ર ઘટનાએ સરકારની કૃષિ નીતિઓ અને ટેકનોલોજીના ઉપયોગ સામે નવા સવાલો ઊભા કર્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *