Bharuch News: દહેજમાં જાળ બિછાવી ડુક્કરના શિકાર માટે ને મોત થયું નિલગાયનું, આરોપીઓને બે લાખનો દંડ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ પંથકમાં વન્યપ્રાણીના શિકાર અને મૃત્યુની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે.દહેજ સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિર નજીકના વેરાન વિસ્તારમાં અને ઝાડી-ઝાંખરામાં શિકારીઓ દ્વારા ડુક્કર પકડવા માટે ગોઠવવામાં આવેલી જાળમાં એક મહાકાય નિલગાય ફસાઈ ગઈ હતી. જેના કારણે આ અબોલ જીવનું કરુણ મોત નીપજ્યું હતું.વન વિભાગને બાતમી મળતા જ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં નિલગાય જાળમાં ખરાબ રીતે ફસાયેલી અને મૃત હાલતમાં મળી આવી હતી.

આ કૃત્ય સ્થાનિક રહીશોનું હોવાનું બહાર આવ્યું

​વાગરા વન વિભાગે આ ઘટનાની ગંભીર નોંધ લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ કૃત્ય સ્થાનિક રહીશોનું હોવાનું બહાર આવ્યું હતું.તપાસમાં દહેજના રહેવાસી અજય કનુ તલાવીયા અને રાકેશ શનાભાઈ રાઠોડના નામો ખુલ્યા હતા.પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે આ જાળ ડુક્કર પકડવા બિછાવી હતી, પરંતુ તેમાં નિલગાય ફસાઈ ગઈ હતી.ભરૂચના નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈ અને મદદનીશ વન સંરક્ષક વિજયભાઈ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાગરા આર.એફ.ઓ. વી.વી.ચારણ અને તેમની ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરી કુલ રૂપિયા ૨ લાખનો દંડ વસૂલ કર્યો છે.વન વિભાગની આ સઘન કામગીરીને પગલે ગેરકાયદેસર શિકાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે

​નિલગાયના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.પ્રાથમિક દ્રષ્ટિએ નિલગાય જાળમાં લાંબા સમય સુધી ફસાઈ રહેવાથી ખોરાક-પાણીના અભાવે તેમજ તરફડિયા મારીને મૃત્યુ પામી હોવાનું મનાય છે.વન વિભાગ એ દિશામાં પણ તપાસ કરી રહ્યું છે કે શું તેને કોઈ ઝેરી પદાર્થ કે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું કે કેમ? હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે જેના આવ્યા બાદ જ મૃત્યુનું વૈજ્ઞાનિક કારણ સ્પષ્ટ થશે. ​આ સમગ્ર ઘટના અંગે વાગરા આર.એફ.ઓ. વી.વી. ચારણે જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ વિસ્તારમાં નિલગાયના શિકારની પ્રવૃત્તિ થતી હોય તેવું જણાતું નથી.તેમણે તર્ક રજૂ કર્યો હતો કે સ્થળ તપાસ દરમિયાન ત્યાં વિચરણ કરતી અન્ય નિલગાયોમાં મનુષ્યો પ્રત્યે કોઈ ભય કે ડર જોવા મળ્યો ન હતો.

આ પણ વાંચોઃ Kutchના મુન્દ્રામાં જ્વેલર્સને લૂંટવા ધોળા દિવસે ફાયરિંગ, વેપારીએ હિંમત બતાવી એકને દબોચ્યો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *