નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આજે પોલીસે એક અનોખી અને કડક કાર્યવાહી કરીને પોક્સો એક્ટના આરોપીનું જાહેર માર્ગો પર સરઘસ કાઢ્યું હતું. આ પગલાનો ઉદ્દેશ્ય સમાજમાં ગુનેગારોને કાયદાનો ડર બતાવવાનો અને આવા કૃત્યોનું પુનરાવર્તન ન થાય તે માટે કડક સંદેશ આપવાનો હતો. બીલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક આરોપીએ 15 વર્ષીય સગીર બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
15 વર્ષીય સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી
આ હેવાનિયતભર્યા કૃત્યના પરિણામે બાળકી ગર્ભવતી બની હતી અને તેણે બાળકને જન્મ પણ આપ્યો હતો. આ ગંભીર ગુના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આજે પોલીસે આરોપીને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે મેડિકલ તપાસ માટે લઈ જતા પહેલાં તેનું શહેરના મુખ્ય જાહેર માર્ગો પર સરઘસ કાઢ્યું હતું. આ સરઘસ દરમિયાન પોલીસકર્મીઓએ આરોપીની જાહેરમાં સરભરા પણ કરી હતી. જેથી તેને તેના ગુના બદલ શરમનો અનુભવ થાય. આ દ્રશ્યો જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પોલીસની આ કાર્યવાહીને ટેકો આપ્યો હતો.
પોલીસે આરોપીની જાહેરમાં સરભરા પણ કરી
પોલીસના આ પગલાથી સમાજમાં એક મજબૂત સંદેશ ગયો છે કે આવા ગંભીર ગુનાઓ કરનારાઓને બક્ષવામાં નહીં આવે. પોલીસનું માનવું છે કે માત્ર કાયદાકીય સજા જ નહીં પરંતુ આવા ગુનેગારોને જાહેરમાં શરમજનક સ્થિતિમાં મૂકીને પણ અન્ય લોકોને ચેતવણી આપી શકાય છે. આ ઘટનાએ બાળકીઓ વિરુદ્ધ થતા ગુનાઓ સામે પોલીસની કડક વલણ અપનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
