બોડેલી તાલુકાના જબુગામથી નસવાડી તાલુકાના ધામસીયા સુધી ને.હા.નં.56ના ફોરલેનની કામગીરીમાં જબુગામ ઓરસંગ નદીમાં 500 મીટર લાંબા બ્રિજ સહિત પાંચ ફ્લાય ઓવરબ્રિજ બનશે.
જબુગામથી ધામસીયા સુધી 38 કિ.મી.નો ફોરલેન રસ્તો રૂા.1188.48 કરોડના માતબર ખર્ચે બનતા બોડેલી તાલુકાની 3 જગ્યા ઉપર અને નસવાડી તાલુકાના બે જગ્યા ઉપર ફ્લાય ઓવરબ્રિજ બનશે. ત્યારે આ ફોરલેન માર્ગ પર જબુગામ ઓરસંગ નદી પર નવો બ્રિજ બનવાનો શરૂ થયો છે. જબુગામ-ધામસીયાના 38 કિ.મીનો ફોરલેન રસ્તો રૂા.1188.48 કરોડના ખર્ચે મંજૂર થતાં 2000 જેટલા વૃક્ષો કાપી વનવિભાગને તેના લાકડાં સોંપી દીધા છે. જબુગામ-ધામસીયા વચ્ચે આખો રસ્તો 20 મીટરની પહોળાઈમાં ફોરલેન બનાવવાની કામગીરી શરૂ થઈ છે. આ નવીન રસ્તો બનવાથી વર્ષોથી હેરાન થતા વાહનચાલકોને, ટ્રાન્સપોર્ટરોને મોટી રાહત થશે. જબુગામ ઓરસંગ નદીમાં 500 મીટર લાંબો બ્રિજ બનાવવાની કામગીરી હાલ શરૂ થઈ છે. આમ તો આ બ્રિજ અને સમગ્ર માગૅની સમયમર્યાદા બે વર્ષની છે પરંતુ આ બ્રિજ એક વર્ષમાં જ પૂર્ણ કરી દેવાની NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટર અનુજ શર્માએ જણાવ્યું હતું.
હાલ નવીન બ્રિજના ફાઉન્ડેશનનું કામ ચાલે છે. જબુગામ ઓરસંગ નદીમાં 500 મીટર લાંબો બ્રિજ ઉપરાંત ખોડીયા ગામ પાસે બાયપાસ ફ્લાય ઓવરબ્રિજ, કોસિન્દ્રા ગામ પાસે 1 ઓવરબ્રિજ અને વાસણા પાસે એક ફ્લાય ઓવરબ્રિજ બનશે. નસવાડીના કલેડીયા ચોકડી પાસે 100 મીટર લંબાઈમાં એક ફ્લાય ઓવરબ્રિજ અને નસવાડી પેટ્રોલપંપ ચોકડી પાસે એક ફ્લાય ઓવરબ્રિજ બનશે.
