બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી રહસ્યમય રીતે ગુમ થયેલી ચાર સગી બહેનોના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગત 15 ફેબ્રુઆરીથી ગુમ થયેલી આ ચારેય બહેનો દિલ્હી પાસે આવેલા નોઇડાની એક પોલીસ ચોકીમાંથી મળી આવી છે. ગઢડા પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી લોકેશન ટ્રેસ કરી આ સફળતા મેળવી છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત 15 ફેબ્રુઆરીના રોજ બે મોટી બહેનો તેમની બે નાની બહેનો (બે સગીર અને બે પુખ્ત) સાથે ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ આસપાસના વિસ્તારો અને સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ કોઈ પતો ન લાગતા આખરે ગઢડા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે જાણવા જોગ નોંધ કરી તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ આદરી હતી.
પોલીસની સતર્કતા અને સફળતા
ગઢડા પોલીસની ટીમ દ્વારા આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તપાસ ચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને સચોટ માહિતી મળી હતી કે, આ ચારેય બહેનો નોઇડા પોલીસના સંપર્કમાં છે. આ સમાચાર મળતા જ ગઢડા પોલીસના જવાનોની એક ટીમ તાત્કાલિક નોઇડા જવા રવાના થઈ હતી.
- પોલીસ ટીમ: હેડ કોન્સ્ટેબલ નિતેશભાઈ ગઢવી, કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ચૌધરી, વિજયભાઈ હરસોરા અને મહિલા કોન્સ્ટેબલ માયાબેન રતનપરા હાલ નોઇડા પહોંચ્યા છે.
- આગામી કાર્યવાહી: નોઇડા પોલીસ સાથે મળીને જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચારેય બહેનોને સુરક્ષિત રીતે ગઢડા પરત લાવવામાં આવશે. આ સમાચાર મળતા જ ચિંતાતુર પરિવારમાં હરખની હેલી જોવા મળી છે.
આ પણ વાંચો – Botad News: લગ્નની ખરીદી કરવા ગયેલી ચાર સગી બહેનો રહસ્યમય રીતે ગુમ, પોલીસ દોડતી થઈ
