તીર્થસ્થાન ચાંદોદ ખાતે મુખ્ય બજારમાં આધેડને રખડતી ગાયે સીંગડે ભેરવી લોહી લુહાણ કરાતા પહેલા સારવાર માટે આધેડને ડભોઇ અને ત્યારબાદ વડોદરા લઈ જવાયા હતા.
તીર્થસ્થાન ચાંદોદમાં રખડતા ઢોરના ત્રાસ વચ્ચે રહીશો પરેશાન છે. ચાંદોદ ખાતે મુખ્ય બજાર, સ્નાન ઘાટ તેમજ માળી કુંડળ તરફ્ પાર્કિંગ વિસ્તારમાં ગાયો દ્વારા હુમલાના બનાવો બનતા હોવા છતાં પંચાયત કોઈ બોધપાઠ લેવા તૈયાર નથી એમ જણાઈ રહ્યું છે
ડભોઇ તાલુકાના તીર્થસ્થાન ચાંદોદ ખાતે બસ સ્ટેન્ડ પર મુખ્ય બજાર સ્નાન ઘાટ પાર્કિંગ વિસ્તારોમાં ટેકરા ઉપર શેરીઓમાં રખડતા ઢોરોનો જમાવડો રહે છે,ક્યારેક આખલાઓ સામ સામે બાખડતા જોવા મળે છે જેને પગલે જે તે વિસ્તારમા અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે. આ રખડતા ઢોરો દ્વારા રાહદારીઓ તેમજ વાહનચાલકોને અડફેટે લેવાતા હોવા છતા તેમજ આ અંગે વખતો વખત ગ્રામસભા દરમિયાન પંચાયતમાં રજૂઆત પણ થયેલી છે, છતાં પણ તેનો ઉકેલ આવતો નથી રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો છે. મંગળવારે મુખ્ય બજાર ચાર રસ્તા પાસે તરવાડી ટેકરા ખાતે લોજ ચલાવતા આધેડ ભુપેન્દ્રભાઈ ભટ્ટને સવારે ગાયે ભેટી મારી લોહી લુહાણ કરી દીધા હતા. તેઓને ચાંદોદ સ્થાનિક દવાખાને પ્રાથમિક સારવાર બાદ તેમને ડભોઇ વડોદરા તરફ્ લઈ જવાયા હતા તેમને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે ત્યારે ચાંદોદ ખાતે રખડતા પશુઓ ને અંકુશમાં લેવા ગ્રામ પંચાયત અસરકારક કામગીરી કરશે કે કેમ તે તરફ્ ચાંદોદના ગ્રામજનોની નજર મંડાયેલી છે.
