દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં જેલ પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે. અહીંની સબજેલમાંથી પોક્સો (POCSO) જેવા ગંભીર ગુનાનો આરોપી પોલીસને ચકમો આપી, જેલની ઊંચી દીવાલ કૂદીને ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. દેવગઢ બારીયા સબજેલમાં કાચા કામના કેદી તરીકે રખાયેલ મનોજ કટારા નામનો આરોપી આજે જેલની દીવાલ કૂદીને પલાયન થઈ ગયો હતો.
દેવગઢ બારીયા સબજેલમાંથી આરોપી ફરાર
આરોપીએ જેલના સુરક્ષાકર્મીઓની નજર ચૂકવી અત્યંત ફિલ્મી ઢબે દીવાલ ઓળંગી હતી. પોક્સો એક્ટ હેઠળના ગંભીર કેસમાં સંડોવાયેલા આ આરોપીના ફરાર થવાથી જેલની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા છે. બનાવની જાણ થતાં જ દાહોદ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ બની ગયું છે. ફરાર આરોપી મનોજ કટારાને ઝડપી પાડવા માટે જિલ્લાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર કડક નાકાબંધી કરી દેવામાં આવી છે.
ફરાર આરોપીની શોધખોળ માટે નાકાબંધી
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહ્યો છે. નોંધનીય છે કે, દેવગઢ બારીયા સબજેલમાંથી આરોપીઓ ફરાર થવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આ જેલમાંથી કેદીઓ દીવાલ કૂદીને નાસી છૂટ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓ જેલની સુરક્ષામાં રહેલી મોટી ખામીઓ તરફ આંગળી ચીંધે છે. હાલમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.
