Dakor: યાત્રાધામ ડાકોર નગરના વોર્ડ નં. 4માં શિયાળે પીવાના પાણીનો કકળાટ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

યાત્રાધામ ડાકોર નગરના વોર્ડ નં. 4માં કોન્ટ્રાક્ટરે પીવાના પાણીની પાઈપલાઈન તોડી નાંખતા ગત શનિવારથી 4 હજારથી વધુ રહીશોને શિયાળે પીવાના પાણી માટે વલખાં તેમજ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. બે દિવસ થવા છતાંય પાઈપ લાઈનનું રિપેરીંગ કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ન કરાતા વિસ્તારના રહીશોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ત્યારે સ્થાનિક પાલિકા સહિતના તંત્રવાહકોનો વહીવટ સાવ ખાડે જતા રહીશોએ આખરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત ડાકોરમાં નગરપાલિકા દ્વારા પાણીની નવ લાઈન નાંખવા માટે કોન્ટ્રાક્ટરે રાત્રિના સમયે ખોદકામ કર્યું હતું. ત્યારબાદ રોડ પર જ કપચી અને પથ્થર રાખતા પૂનમે શ્રી રણછોડરાયજી મંદિરે જતા આવતા ભાવિકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. એટલું જ નહીં કેટલાક ભાવિકોને અચાનક પગમાં પથ્થર આવી જતા રોડ પર પડી જવાના બનાવ પણ સામે આવ્યા હતા. એટલું જ નહીં ડાકોર નગરમાં અવારનવાર ગટર કે પાણીની લાઈન માટે ખોદકામ કરતા કોન્ટ્રાક્ટર કામગીરી પુર્ણ થયા બાદ ખાડા જે તે સ્થિતિમાં રાખીને જતા રહેતા હોય રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થતા હોય છે. રવિવારે પણ સુરતથી દર્શને આવેલા પુરુષોત્તમભાઈ નામના વ્યક્તિ પડી જતા તેમને હાથ અને પગમાં ઈજાઓ થઈ હતી. ત્યારે પાલિકાનું તંત્ર કુંભકર્ણની નીંદ્રામાંથી જાગીને વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરાવે તેમજ બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરે તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *