Dang: સાપુતારામાં પ્રવાસીઓને પરેશાન કરતા બાઇકર્સ પોલીસના સકંજામાં, ટેબલ પોઈન્ટ પર આતંક મચાવતી 70 બાઇકો ડિટેઈન

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ડાંગ જિલ્લાના પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે પ્રવાસીઓની સુરક્ષા જોખમાવતા બાઇક સ્ટંટબાજો પર પોલીસે કડક  કાર્યવાહી કરી છે. ટેબલ પોઈન્ટ જેવા ભીડભાડ વાળા વિસ્તારમાં ધૂમ સ્ટાઈલથી બાઇક ચલાવી આતંક મચાવનારા યુવાનોને સાપુતારા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.

ભીડ વચ્ચે સ્ટંટબાજી ભારે પડી

૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને સાપુતારામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આ ભીડનો લાભ લઈ કેટલાક ઉત્પાતી યુવાનો ટેબલ પોઈન્ટ પર પોતાની બાઇકો સાથે જીવલેણ સ્ટંટ કરી રહ્યા હતા. બેફામ ગતિએ બાઇક હંકારીને આ લબરમૂછિયા યુવાનો પ્રવાસીઓમાં ભય ફેલાવી રહ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી.

પોલીસની સર્જિકલ સ્ટ્રાઈકમાં 70 બાઇકો જપ્ત

પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી સાપુતારા પોલીસ મથકના PI પી. ડી. ગોંડલિયા અને તેમની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસે ટેબલ પોઈન્ટ પર કોર્ડન કરી બેફામ બાઇક ચલાવતા 70 જેટલા બાઇક સવારોને ઝડપી પાડ્યા હતા.તમામ બાઇકોને પોલીસ મથકે લાવી કલમ 207 મુજબ ડિટેઈન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ આકસ્મિક કાર્યવાહીથી સ્ટંટબાજોની શાન ઠેકાણે આવી ગઈ હતી અને અન્ય બાઇક ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.

કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક સંદેશ

સાપુતારા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પ્રવાસન સ્થળો પર આવતા પ્રવાસીઓની શાંતિ અને સુરક્ષા સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. આ પ્રકારની દાખલારૂપ કાર્યવાહીથી સ્થાનિકો અને પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

 આ પણ વાંચો: Amreli: પીરસવા બાબતે જાનૈયા-માંડવા પક્ષ વચ્ચે લોહિયાળ ધીંગાણું, 13 લોકો ઈજાગ્રસ્ત



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *