ધોલેરા અને ધંધૂકા પંથકમાં થયેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતોએ ચકચાર મચાવી છે. એક ઘટનામાં બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે બીજી ઘટનામાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ધોલેરા રિવર ફ્રન્ટ રોડ પર બાઈક અકસ્માતમાં 1નું મોત નિપજ્યું હતું. ધોલેરા રિવર ફ્રન્ટ રોડ પર માર્ગની સાઇડમાં ઉભેલી ટ્રોલી સાથે બાઈક ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉત્તરપ્રદેશના જિતેન્દ્રભાઈને ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ગુંજાર-વાગડ વચ્ચે ટ્રેક્ટર ટ્રોલી પલટી હતી.ધંધુકા તાલુકાના ગુંજાર-વાગડ ગામ વચ્ચે જાનૈયા લઈ જતી ટ્રેક્ટર ટ્રોલીને પાછળથી વેગનઆર કાર દ્વારા ટક્કર મારવામાં આવી હતી. ટક્કર બાદ ટ્રેક્ટર ટ્રોલી ત્રાંસી થઈ જતા તેમાં બેઠેલા આશરે 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ચાલક પોતાની કાર મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા કાર કબજે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પંથકમાં અકસ્માતોની વધતી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. માર્ગ સુરક્ષા અંગે તંત્ર દ્વારા કડક પગલાઓ લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
