અમદાવાદ જિલ્લામાં ધોલેરા એપીએમસીની આવનારી ચૂંટણીને લઈ પંથકમાં રાજકીય અને સહકારી માહોલ ગરમાયો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણય હેઠળ ધોળકા એપીએમસીની મુદતમાં 6 મહિના માટે વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે સહકારી ક્ષેત્રમાં નવી ચર્ચાઓને વેગ મળ્યો છે.
સૂત્રો મુજબ, ધોલેરા એપીએમસીની ચૂંટણી માટે તંત્ર દ્વારા પ્રાથમિક તૈયારીઓ શરૂ થવાના એંધાણ મળી રહ્યા છે. મતદાર યાદી, સભ્યપદ અને પ્રક્રિયાત્મક કામગીરીને લઈ આંતરિક હલચલ તેજ થઈ રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ , કોંગ્રેસ તેમજ સ્થાનિક સહકારી આગેવાનો એપીએમસી કબ્જે કરવાની રણનીતિમાં લાગી ગયા છે. ગામડાં સ્તરે બેઠકો, ચર્ચાઓ અને સમીકરણોની કસરત શરૂ થઈ ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. ધોલેરાના સહકારી ક્ષેત્રમાં લાંબા સમય બાદ રાજકીય હલચલ જોવા મળી રહી છે. ખેડૂત આગેવાનો અને વેપારી વર્ગ પણ ચૂંટણીને લઈને સક્રિય બન્યા છે. આવનારા દિવસોમાં ચૂંટણીની સત્તાવાર જાહેરાત સાથે રાજકીય માહોલ વધુ ગરમાશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
