Editor's View:સુસાઈડ બોમ્બિંગ નહિ 'શહાદત' ! વીડિયોમાં બફાટ, ઉમર નબીએ આપમેળે જ ઘૂંટ્યો આતંકનો એકડો

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

”એક સાવ ખોટી અવધારણા છે કે જેને સુસાઈડ બોમ્બિંગ કહેવાય છે પણ હકીકતે તે આને ઈસ્લામમાં શહાદતનું ઓપરેશન કહે છે. શહાદતના ઓપરેશન સામે ઘણી દલીલો કરવામાં આવે છે. લોકો સમજી શકતા નથી કે આત્મઘાતી હુમલા હકીકતમાં છે શું. તેની સામે ઘણા વિરોધભાસ અને ઘણા તર્ક છે. આત્મઘાતી હુમલાની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે એક વ્યક્તિ માની લે છે કે તે ખરેખર મરવાનો જ છે. ચોક્કસ તારીખે, ચોક્કસ સમયે. તો તે એક ખતરનાક માનસિક સ્થિતિમાં પહોંચી જાય છે. તે પોતાને એવી જગ્યાએ ઊભો કરી દે છે, જ્યાં તેને લાગે છે કે મોત જ તેની આખરી મંઝિલ છે. પણ સત્ય એ છે કે એવી વિચારસરણી અને પરિસ્થિતિ કોઈપણ લોકતાંત્રિક અને માનવીય વ્યવસ્થામાં સ્વીકાર નથી થતી. ” – આ શબ્દો છે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ કરીને આત્મઘાતી હુમલો કરનાર ડો. ઉમર મોહમ્મદ નબીના. NIAએ આતંકીનો એક વીડિયો રિલિઝ કર્યો છે. જેમાં તે બ્લાસ્ટ પહેલાં સૂસાઈડ બોમ્બર બનવું ખરાબ નથી તેવી વાતો કરે છે. હકીકતે આવા વીડિયો જ બીજા યુવાનોના બ્રેન વોશ કરવા બનાવાય છે. નમસ્કાર, દિલ્હી બોમ્બ બ્લાસ્ટ થયા ને દસ દિવસ થવા આવશે. આ દસ દિવસમાં ચાર રાજ્યોની પોલીસ, NIA, ATS, ગુપ્તચર એજન્સીઓ આકાશ પાતાળ એક કરીને સંખ્યાબંધ કડીઓ શોધી કાઢી છે. આ ઘટનામાં 8 ડોક્ટર આતંકી અને 2 મૌલાના મળીને 12થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. તપાસ એજન્સીઓની પૂછપરછમાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ખુલાસો તો એવો થયો છે કે આ આતંકીઓ ભારતમાં ડ્રોન અને રોકેટથી હુમલો કરવા માંગતા હતા. આ આખા મોડ્યુલનો ઓપરેટર હતો – આત્મઘાતી બોમ્બર ડોક્ટર ઉમર નબી. 8 ડોક્ટર અને 2 મૌલાનાનો સ્લિપર સેલ ભારતમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું ડોક્ટર્સ અને મૌલવીઓનું આતંકનું મોડ્યુલ સામે આવ્યું છે. જે જમ્મુ-કાશ્મીરથી લઈને ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી સુધી ફેલાયેલું છે. અત્યાર સુધી 8 ડોક્ટર, 2 મૌલાના સહિત 12થી વધુની ધરપકડ થઈ ચૂકી છે. આ દરેક આતંકી સ્લિપર સેલ તરીકે કામ કરે છે. પાકિસ્તાનથી જૈશ-એ-મોહમ્મદ આદેશ આપે એટલું જ કામ કરવાનું. સ્લિપર સેલના 10 ખતરનાક આતંકી ડો. દાનિશની ધરપકડ પછી નવા ઘટસ્ફોટ થયા દિલ્હી આતંકી હુમલાની તપાસ દરમિયાન સોમવારે (17 નવેમ્બર) રાત્રે મોટો ખુલાસો થયો. NIAએ જણાવ્યું હતું કે વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ શરૂઆતમાં ડ્રોન અને રોકેટનો ઉપયોગ કરીને હમાસ પેટર્નનો હુમલો કરવાનો ઇરાદો ધરાવતું હતું. આ યોજના 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલા પછી બનાવવામાં આવી હતી. આત્મઘાતી બોમ્બર ડો. ઉમર નબીના અન્ય સહયોગી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ બાદ NIAને આ માહિતી મળી હતી. દાનિશ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી છે. NIAએ ચાર દિવસ પહેલાં તેની શ્રીનગરથી તેની ધરપકડ કરી હતી. NIAના જણાવ્યા અનુસાર, દાનિશને નાના ડ્રોન હથિયારો બનાવવાનો તેમાં ફેરફારનો ટેકનિકલ અનુભવ છે. તેણે ડો. ઉમરને ટેકનિકલ સહાય પૂરી પાડી હતી અને આતંકવાદી હુમલા માટે ડ્રોન અને રોકેટ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે દાનિશ ભીડવાળા વિસ્તારોમાં ડ્રોનથી બોમ્બ ફેંકવાની યોજના બનાવી રહ્યો હતો. ડો. ઉમર પર જ હતી સિરિયિલ બ્લાસ્ટની જવાબદારી બોમ્બ ધડાકાથી શરૂ થયેલી વાત હવે આતંકી હુમલામાં બદલાઈ ચૂકી છે. એક ડઝન જેટલા ડોક્ટર્સ આતંકી ઝડપાયા છે, તેની પાસેથી જે ખુલાસા થયા છે, તેમાં એ સામે આવ્યું છે કે આ આતંકીઓ ઓપરેશન સિંદૂર, બાબરી મસ્જિદ, રામ મંદિર અને કાશ્મીરથી કલમ 370 હટાવી તેનો બદલો લેવા માગતા હતા. એટલે આ આતંકીઓ આવનારી 6 ડિસેમ્બરે 4 જગ્યાએ ધડાકા કરવા માગતા હતા. 6 ડિસેમ્બર 1992ના દિવસે બાબરી મસ્જિદ ધ્વંશ થઈ તેના બદલામાં આતંકીઓ સિરિયલ બ્લાસ્ટ કરવા માગતા હતા. સિરિયલ બ્લાસ્ટ કરવાની જવાબદારી ડો. ઉમર મોહમ્મદ નબી પર હતી. જે લાલ કિલ્લા પાસે થયેલા ધડાકામાં માર્યો ગયો છે. અત્યાર સુધી આમાં બે ઈમામ પણ પકડાઈ ચૂક્યા છે. જેમાં મૌલાના ઈશ્તિયાક જે અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી મસ્જિદમાં ઈમામ છે. બીજો છે મૌલાના ઈરફાન અહેમદ જેને જમ્મુ-કાશ્મીરના સોપિયાથી પકડી લેવામાં આવ્યો છે. 8 ડોક્ટરો સાથે આ બંને ઈમામ સંપર્કમાં હતા. આ સ્લિપર સેલનું મોટું નેટવર્ક હતું. આ સ્લિપર સેલમાં 6 ડોક્ટર તો અલ ફલાહ યુનિવર્સિટીમાંથી છે. અત્યાર સુધીમાં 8 ડોક્ટર અને બે મૌલવીઓ અને ચાર સાથીઓ જે શકમંદો છે, તેની ધરપકડ થઈ ચૂકી છે. આઠ ડોક્ટરનાં ચાર ગ્રુપ બ્લાસ્ટ કરવાના હતા ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં એવી વાત બહાર આવી છે કે 2-2 આતંકવાદી ડોક્ટર મળીને 4 ગ્રુપ બનાવવાના હતા. એટલે 8 ડોક્ટરમાંથી બે-બે આતંકી અલગ પડીને ચાર ગ્રુપમાં ચાર શહેરોમાં જવાના હતા. એક ગ્રુપ પોતાની પાસે સંખ્યાબંધ બોમ્બ રાખવાના હતા. આ આતંકી હુમલો કરવા માટે ડોક્ટરોએ 20 લાખ રૂપિયા રોકડા ભેગા કર્યા હતા. આ રૂપિયા ડો. ઉમર નબી પાસે હતા. એનો મતલબ એવો કે ડો. ઉમર જ આ હુમલાના ફંડિંગને સંભાળતો હતો. ડો. ઉમર નબી, ડો. આદિલ રાથર અને ડો. શાહીન સઈદે 3 લાખ રૂપિયામાં 2 હજાર કિલો NPK કેમિકલ એટલે ફર્ટિલાઈઝર ખરીદ્યું હતું. NPK એટલે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. જૈશના કમાન્ડર બ્રેઈન વોશ કેવી રીતે કરે છે? તપાસ એજન્સીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે જૈશના કમાન્ડરો ભારતમાં કેટલાક મૌલાનાઓને આ જવાબદારી આપે છે. મૌલાનાઓ પહેલાં ધર્મનો આધાર લે છે. તે એવું કહે છે કે ભારતમાં ઈસ્લામ ખતરામાં છે. ભારતમાં મુસલમાન ખતરામાં છે. માટે તમારી જવાબદારી છે કે તમે આને બચાવો. બીજું કારણ આપે છે- બદલો. તેને પરિવારની વાતો કરીને ઈમોશનલ બ્લેકમેઈલ કરે છે. તું ભારતમાં ઈસ્લામ બચાવવાનું કામ કરીશ ને શહીદ થઈશ તો તારો પરિવાર સુખી થશે. તેને અમે કરોડો રૂપિયા આપીશું. બંગલામાં રાખીશું. બીજું, જે ડોક્ટર અલ-ફલાહ યુનિવર્સિટીમાં હતા ત્યાંની ફી તગડી છે. પુલગામ કે સોપિયા જેવા પછાત વિસ્તારમાં રહેતા યુવાનો મેડિકલનું ભણવા જાય તો તેને ચિંતા રહે છે કે ડોક્ટર બનવા માટે 1 કરોડ જોઈએ. એ ક્યાંથી કાઢીશું? બીજું, ડોક્ટર બની ગયા પછી 1 કરોડ ક્યારે ભેગા થઈ શકશે? આ ચિંતા પણ યુવાનોને ખોટા રસ્તે વાળે છે. ડો. ઉમરને આતંકી બનવા કોઈએ બ્રેન વોશ નહોતું કર્યું તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, સામાન્ય રીતે કોઈ યુવાનને આતંકી બનાવવા બ્રેન વોશ કરવું પડે છે અને તેને આતંક તરફ વાળી શકાય છે. પણ ડો. ઉમરનું કોઈએ બ્રેન વોશ નહોતું કર્યું. તે 2018માં જ જૈશ-એ-મોહમ્મદ સાથે આપમેળે જ જોડાઈ ગયો હતો. જૈશના કેટલાક સોશિયલ મીડિયા ગ્રુપમાં તે મેસેજ વાંચ્યા કરતો. 2023 સુધી તે જૈશની વિચારધારામાં ભળી ગયો. 2023માં તેણે સામેથી જૈશના કમાન્ડરનો સંપર્ક કરીને કહ્યું કે હું જૈશ માટે કામ કરવા માગું છું. ઉમર જેવા લોકો સાયલન્ટ આતંકવાદી છે. બહારથી કોઈને ખબર ન પડે. હોંશિયાર ડોક્ટર જ લાગે, પણ અંદરથી તો તેની વિચારધારા ખતરનાક હતી તે કોઈને જણાવવા ન દે. સિગ્નલ એપ પર ડો. ઉમર નબીએ ગ્રુપ બનાવ્યું હતું એજન્સીઓની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ટેલિગ્રામ જેવી એક એપ્લિકેશન છે, સિગ્નલ એપ. તેમાં એક ગ્રુપ બનાવ્યું હતું. સિગ્નલ એપ વિદેશી છે. તેના પર મોકલેલા મેસેજ ટ્રેક કરવા મુશ્કેલ હોય છે. આ એપ પર મોકલેલા મેસેજ પોતાની મેળે જ ડિલિટ થઈ જાય છે. એટલે પુરાવા બચતા નથી. બીજું, ઉમરે નવા યુવાનો તૈયાર કરવા અને તેનું બ્રેન વોશ કરવાના ઈરાદાથી ટેલિગ્રામ ચેનલમાં ત્રણ-ચાર ગ્રુપ બનાવ્યા હતા. આ ગ્રુપમાં જે-જે વ્યક્તિ એડ થયા છે તે તમામની ઓળખ કરીને પૂછપરછ થવાની છે. કોણ હતો આતંકી ઉમર નબી? ડોક્ટર ઉમર મોહમ્મદ નબીનું કોઇલ ગામ પુલવામા જિલ્લામાં છે. દક્ષિણી કાશ્મીરમાં રાજધાની શ્રીનગરથી 35 કિલોમીટર દૂર. ગામમાં લગભગ 800 પરિવારો છે. મોટાભાગના લોકો ખેતી અને બાગાયત કરે છે. ઉમરના પિતરાઈ ભાઈ વસીમ અહંગરે મીડિયાને કહ્યું હતું કે, ‘ઉમર વિશે જે વાતો થઈ રહી છે, તે ખૂબ જ ચોંકાવનારી છે. મને નથી લાગતું કે કારમાં ઉમર હોય.’ વસીમ જણાવે છે કે ઉમરના પરિવારે ખૂબ તકલીફો જોઈ છે. ઉમરના અબ્બુ ગુલામ નબી બટ શિક્ષક હતા. લગભગ 20 વર્ષ પહેલાં ગુલામ માનસિક રીતે બીમાર થઈ ગયા. તે પછી તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. પરિવાર પાસે કોઈ ખેતર નહોતું. ઉમરનો જન્મ 1993નો છે. એક મોટો ભાઈ છે, જે પ્લમ્બરનું કામ કરે છે અને એક નાનો ભાઈ હજી ભણે છે. એક બહેન પણ છે, જેના લગ્ન થઈ ચૂક્યા છે. અબ્બુની નોકરી છૂટ્યા પછી ઉમરની અમ્મી શમીમાએ ઉમરના ભણતરની જવાબદારી ઉપાડી. તેમણે નાના-મોટા કામ કર્યા. સંબંધીઓ પાસેથી મદદ લીધી. ઉમરની દેખરેખ માટે તેમણે ઘરનો સામાન પણ વેચી દીધો. ઉમરને નોકરી લાગ્યા પછી ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરી. ઉમરે ઘરનું રિનોવેશન કરાવ્યું. શ્રીનગરની જ એક છોકરી સાથે ઉમરની સગાઈ થઈ હતી અને થોડા જ સમયમાં લગ્ન થવાના હતા. અનંતનાગમાં ડોક્ટર હતો, પછી અલ-ફલાહ યુનિવર્સિટી જોઈન કરી દિલ્હી બ્લાસ્ટની શરૂઆતના તપાસ રિપોર્ટમાં લખ્યું છે કે ડો. ઉમર નબી મેડિકલનો અભ્યાસ કરવાની સાથે અનંતનાગમાં સરકારી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. નોકરી કરતી વખતે ડો. ઉમર ટેલિગ્રામ એપ.થી પાકિસ્તાની આતંકીઓ અને પુલવામામાં હાજર સ્થાનિક હેન્ડલર્સના સંપર્કમાં આવ્યો. ગ્રુપ દ્વારા પાકિસ્તાની લોકો સાથે વાતચીત શરૂ કરી. શરૂઆતમાં ‘કાશ્મીરની આઝાદી’ અને કાશ્મીરીઓના અવાજ દબાવવાના કથિત મુદ્દાઓ પર વાત થતી હતી, પછીથી ગ્લોબલ જિહાદ અને બદલો લેવા જેવા મુદ્દા પર વાત થવા લાગી. અનંતનાગની સરકારી હોસ્પિટલના નિવૃત્ત ડોક્ટર અને પ્રોફેસર ડો. ગુલામ જિલાનીએ મીડિયાને કહેલું કે, શરૂઆતથી જ ઉમર વિરુદ્ધ ફરિયાદો મળવા લાગી હતી. ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને દર્દીઓ સુદ્ધાંએ આક્ષેપ લગાવ્યા કે ઉમર અસભ્યતાથી વાત કરતો હતો. બેદરકાર હતો અને અવારનવાર હોસ્પિટલમાંથી ગાયબ રહેતો હતો. એક ગંભીર બીમાર દર્દીની ઉમરની દેખરેખમાં સારવાર ચાલી રહી હતી. ઉમર અચાનક ડ્યુટી પરથી ગાયબ થઈ ગયો. આ દરમિયાન દર્દીની હાલત બગડી અને તેનું મોત થઈ ગયું. સમિતિએ ઘણીવાર ઉમરને પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવ્યો પરંતુ તે ન આવ્યો. તે પછી તેને છૂટો કરી દેવામાં આવ્યો અને તેણે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી જોઈન કરી લીધી. અલ-ફલાહ યુનિવર્સિટી : આંતકવાદનો અડ્ડો હરિયાણાના ફરીદાબાદની આ યુનિવર્સિટીની ભારે ચર્ચા છે. પકડાયેલા 8 આતંકી ડોક્ટરમાંથી 6 તો આ યુનિવર્સિટીના હતા. એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીએ અલ-ફલાહ યુનિવર્સિટીની મેમ્બરશિપને રદ્દ કરી નાખી છે. હવે આ આતંકની પ્રયોગશાળા બની ગઈ છે. મેડિકલ, એન્જિનીયરિંગ,લો અને ઘણી ફેકલ્ટી અહિ છે. આ યુનિવર્સિટીને 2014માં ભૂપેન્દ્ર હુડાની સરકારે માન્યતા આપી હતી. 2015માં UGCએ માન્યતા આપી હતી. 2019માં અહિ MBBS કોર્સ શરૂ થયો હતો. હવે વિચારો જે સ્ટુડન્ટ 1 કરોડ રૂપિયા ખર્ચીને MBBS કરે છે અને તેને ભણાવનારા પ્રોફેસર દેશમાં બોમ્બ બ્લાસ્ટનો પ્લાન કરી રહ્યા છે તો આ સ્ટુડન્ટના મન પર કેવી અસર થઈ હશે. હવે ED આ યુનિવર્સિટીના આર્થિક ફંડની તપાસ કરી રહી છે. ED અને NIA એ અલ-ફલાહ યુનિવર્સિટીના નાણાકીય અને વહીવટી વડાઓની પૂછપરછ કરી છે. તેમણે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. ED ટીમ હજુ પણ યુનિવર્સિટીની અંદર તપાસ કરી રહી છે. અલ-ફલાહ યુનિવર્સિટી કે એજ્યુકેશન ‘સિટી’!! અલ-ફલાહ ટ્રસ્ટમાં ગોટાળાનો પાર નથી અલ-ફલાહ યુનિવર્સિટીની સાથે અલ-ફલાહ ટ્રસ્ટ અને બીજી કેટલીક કંપનીઓ ચાલી રહી છે. અલ-ફલાહ ટ્રસ્ટ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓની તપાસ ચાલુ છે. કારણ કે આ ટ્ર્સ્ટ જ યુનિવર્સિટીનું સંચાલન કરે છે. નાણાં અને વહીવટ માટે જવાબદાર મુખ્ય વ્યક્તિઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રસ્ટ સાથે જોડાયેલી નવ જેટલી શેલ કંપનીઓ એક જ સરનામે નોંધાયેલી છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસમાં અનેક શંકાસ્પદ સંસ્થાઓનો ખુલાસો થયો છે. જેમાં, ડોક્ટરનું એક નહિ, અનેક મોડ્યુલ હોઈ શકે જમ્મુ-કાશ્મીરના સિનિયર પત્રકાર સૈયદ જુનૈદ હાશ્મી કહે છે, ‘હજી માત્ર એક ગ્રુપ પકડાયું છે. કાશ્મીરમાં ‘વ્હાઇટ કોલર જિહાદ’ નવો નથી. કાશ્મીરમાં મોટી સંખ્યામાં ભણેલા-ગણેલા લોકો કટ્ટરપંથી અને અલગતાવાદી વિચારસરણીના છે. મેં થોડા દિવસ પહેલાં અનંતનાગની સરકારી હોસ્પિટલના કેટલાક ડોક્ટર્સનો ઇન્ટરવ્યૂ કર્યો. તેમના સવાલોથી નારાજ ડોક્ટર્સે મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કાફિર અને ગદ્દાર લખવાનું શરૂ કરી દીધું. આતંકી ડો. આદિલ અનંતનાગનો સૌથી જાણીતો ડોક્ટર હતો, પરંતુ કટ્ટરપંથી વિચારસરણીને કારણે જે મહિલા બુરખામાં ન આવે તેવી મહિલાઓની સારવાર કરવાની ના પાડી દેતો હતો. સૈયદ જુનૈદ કહે છે કે, આ તો એક મોડ્યુલ પકડાયું છે. બની શકે કે ડોક્ટર્સના જ અનેક મોડ્યુલ હોઈ શકે. છેલ્લે, દિલ્હીમાં ડિફેન્સ ટોક હતી. જેમાં દેશના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ બે-ત્રણ અગત્યની વાતો કરી. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર 88 કલાકનું ટ્રેલર હતું. પાકિસ્તાન ફરી તક આપશે તો જવાબ વધુ કડક હશે. હવે એવું નથી રહ્યું કે આર્મી જ યુદ્ધ લડે. ત્રણેય પાંખ ઉપરાંત સાયબર, સેટેલાઈટ બધાએ એક્ટિવ થઈને એકસાથે હુમલો કરવો પડે. કારણ કે આ ફિફ્થ જનરેશનનું યુદ્ધ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *