Editor's View: પૈસા માટે ટ્રમ્પનો મોટો દાવ:F-35થી ક્રાઉન પ્રિન્સને ક્લિનચીટ સુધી, અમેરિકા સાઉદી પર ઓળઘોળ, જાણો બિઝનેસ ડિપ્લોમસીની પડદા પાછળની હકિકત

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અમેરિકા પહોંચ્યા છે. વ્હાઈટ હાઉસે રેડ કાર્પેટ સ્વાગત કર્યું છે. સાઉદીના પત્રકાર જમાલ ખાશોગીની હત્યા પછી અમેરિકા-સાઉદી અરબ વચ્ચે સંબંધો વણસ્યા હતા પણ હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ઘીના ઠામમાં ઘી પડવાનું કારણ માત્ર એક જ છે કે અમેરિકાને પોતાની ઈકોનોમીમાં પૈસા જોઈએ છે જે સાઉદી આપવા તૈયાર છે. તેની સામે સાઉદીએ પણ કેટલીક ડિમાન્ડ મૂકી છે. અમેરિકા અને સાઉદી અરબ વચ્ચેની ડિપ્લોમસીની આજે વાત… નમસ્કાર, ટ્રમ્પને દિવસે તડકામાં ને રાત્રે સપનામાં પૈસા સિવાય કાંઈ દેખાતું નથી. એ બિઝનેસમેન તો છે જ પણ છેલ્લા 40 દિવસથી હાલક ડોલક થયેલી અમેરિકાની ઈકોનોમીને સ્થિર કરવા માટે કોથળા મોઢે રૂપિયાની જરૂર છે. આ તોતિંગ રકમ સાઉદી અરબ આપવા તૈયાર છે. ટ્રમ્પે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને વ્હાઈટ હાઉસમાં લંચ અને ડિનર માટે આમંત્રણ આપ્યું. મોહમ્મદ બિન સલમાન મંગળવારે વ્હાઈટ હાઉસ પહોંચ્યા ને બંને દેશો વચ્ચે કેટલીક ડિલ થઈ. પહેલા અમેરિકા અને સાઉદી અરબના સંબંધોને સમજી લો… સાઉદી અરબમાં 1938માં જ્યારે તેલનો ભંડાર મળ્યો ત્યારે ત્યાંનો શાહી પરિવાર એટલો તાકાતવાન બની ગયો કે દુનિયાની અર્થ વ્યવસ્થાને આંગળીએ નચાવી શકતો હતો. આ જ કારણ છે કે અમેરિકા અને યુરોપના દેશોએ સાઉદીની દરેક જીદ્દને સહન કરી. મિડલ ઈસ્ટનો ઈતિહાસ બદલવામાં ટ્રમ્પ સફળ થશે? સવાલ એ છે કે શું મીડલ ઈસ્ટનો ઈતિહાસ બદલવાનો છે? 2018માં જે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન માટે અમેરિકાના દરવાજા લગભગ બંધ થઈ ગયા હતા. આજે એ જ પ્રિન્સ માટે વ્હાઈટ હાઉસમાં રેડ કાર્પેટ સ્વાગત થઈ રહ્યું છે. તેનું કારણ છે સૌથી મોટી ડિલ. અમેરિકા સાઉદીને એ હથિયાર આપવા જઈ રહ્યું છે જે તેણે ઈઝરાયલ સિવાય કોઈને નથી આપ્યા. એ છે અત્યાધુનિક F-35 ફાઈટર જેટ્સ. આ ડિલની કિંમત પૈસાથી નહિ, પોલિટિક્સથી ચૂકવવાની છે. તે રીતે કે અમેરિકા ઈચ્છે છે કે સાઉદી અરેબિયા ઈઝરાયલ સાથે દોસ્તીનો હાથ લંબાવે. શું ટ્રમ્પ સાઉદી અરબ અને ઈઝરાયલની મિત્રતા કરાવી શકશે કે પછી આ દાવ ખોટો પડશે? મંગળવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન એટલે MBS અમેરિકા પહોંચ્યા છે. આ મુલાકાત એટલા માટે મહત્વની છે કે 2018માં પત્રકાર જમાલ ખશોગીની હત્યા પછી MBSની આ પહેલી અમેરિકી મુલાકાત છે. ખશોગીની હત્યા થઈ ત્યારે આખી દુનિયામાં ચર્ચા જાગી હતી અને અમેરિકાના વ્હાઈટ હાઉસે પણ ક્રાઉન પ્રિન્સ સામે આંગળી ચિંધી હતી. જિઓ પોલિટિક્સમાં કાયમી દુશ્મન નહિ, હેતુઓ તો હોય જ છે કહેવાય છે ને કે જિયો પોલિટિક્સમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતા, કાયમી હેતુઓ હોય છે. ક્રાઉન પ્રિન્સ સાથે શાહી અંદાજમાં લંચ પણ થશે ને ડિનર પણ થશે. સાઉદી અરબે અમેરિકા પાસેથી 48 F-35 જેટ્સ માગ્યા છે. ટ્રમ્પે પણ કહ્યું કે ચોક્કસ. અમે વેંચીશું. અત્યાર સુધી મીડલ ઈસ્ટમાં આ અત્યાધુનિક સ્ટીલ્થ ફાયટર જેટ્સ માત્ર ઈઝરાયલ પાસે હતાં. અમેરિકા ગાઢ સંબંધોના કારણે ઈઝરાયલને દરેક પ્રકારે મદદ કરતું રહ્યું છે. અમેરિકાની પોલિસી ઈઝરાયલની મિલિટરીને પાવરફૂલ બનાવી રાખવાની રહી છે. પણ હવે ટ્રમ્પ આ પોલિસીને શિફ્ટ કરી રહ્યા છે. હવે જો સાઉદી અરબને F-35 જેટ્સ મળી જશે તો આખા મીડલ ઈસ્ટનું મિલિટરી બેલેન્સ બદલાઈ જશે. સાઉદી અરબ માત્ર પ્લેન નથી માગી રહ્યું, તે સિક્યોરિટીની ગેરંટી માગી રહ્યું છે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી અને સિવિલિયન ન્યૂક્લિયર પ્રોગ્રામમાં મદદ. સાઉદી પર અમેરિકા ઓળઘોળ કેમ છે? આ રહ્યા બે કારણો 1. પૈસા : ટ્રમ્પને 600 બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ યાદ છે જેનું સાઉદીએ વચન આપ્યું હતું. ટ્રમ્પ ઈચ્છે છે કે આ પૈસા અમેરિકામાં આવે. 2. ચીન : ટ્રમ્પ સાઉદી અરબને ચીન તરફ જતું રોકવા માગે છે. ટ્રમ્પ ઈચ્છે છે કે તે ડિફેન્સ, ફાયનાન્સ અને એનર્જી માટે અમેરિકા પર નિર્ભર રહે. ચીન પર નહિ. ટ્રમ્પ શું ઈચ્છે છે? ટ્રમ્પ સાઉદી અરબની નજીક જઈ રહ્યા છે. તેમાં નક્કી કોઈ સ્વાર્થ હશે જ. કારણ કે ટ્રમ્પ બિઝનેસમેન છે. તે ડિલ વગર એક પગલું ય ભરતા નથી. ટ્રમ્પ ઈચ્છે છે કે સાઉદી અરબ ઈઝરાયલ સાથે દોસ્તી કરી લે. ટ્રમ્પ એવું પણ ઈચ્છે છે કે તે અબ્રાહમ એકોર્ડ્સમાં સામેલ થઈ જાય. 2020માં ટ્રમ્પે જ UAE, બહેરીન અને મોરક્કોની ઈઝરાયલ સાથે દોસ્તી કરાવી હતી. હાલમાં કઝાકિસ્તાન પણ આમાં સામેલ થયું છે. ટ્રમ્પ એવું માને છે કે જો સાઉદી અરબ ઈઝરાયલ સાથે દોસ્તી કરી લે તો મીડલ ઈસ્ટમાં શાંતિની ગેરંટી મળી જશે. પણ પેચ ગાઝામાં ફસાયો છે. સાઉદી અરબ કહી ચૂક્યું છે કે જ્યાં સુધી પેલેસ્ટાઈન દેશ નહિ બને ત્યાં સુધી ઈઝરાયલ સાથે મિત્રતા શક્ય નથી. ટૂંકમાં ટ્રમ્પને અમેરિકાની ઈકોનોમી માટે પૈસા જોઈએ છે અને ચીનને રોકવા માટે સાઉદીનો સાથ. ટ્રમ્પ-MBSની મિટિંગના 8 મોટા નિર્ણયો.. અબ્રાહમ એકોર્ડ શું છે? 2020માં ઇઝરાયલ અને કેટલાક અરબ દેશોએ અબ્રાહમ એકોર્ડ હેઠળ સત્તાવાર રીતે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કર્યા. એકોર્ડ એટલે એક પ્રકારની સમજૂતી. આ એકોર્ડનું નામ અબ્રાહમ પરથી રાખવામાં આવ્યું, જે યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના એક પયગંબર હતા. આ સમજૂતી સાથે જોડાયેલા દેશોમાં યુએઈ, બહેરીન અને મોરોક્કોએ ઇઝરાયલમાં દૂતાવાસ ખોલવા, વેપાર વધારવા અને લશ્કરી અને ટેકનોલોજી ભાગીદારી વધારવા સંમત થયા હતા. આ કરાર અમેરિકાની મધ્યસ્થીથી કરવામાં આવ્યો હતો. અબ્રાહમ એકોર્ડ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા. પત્રકારના સવાલ પર ટ્રમ્પ ભડકી ઉઠ્યા… વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ અમેરિકાની જ પત્રકાર પર ભડકી ગયા. તેનું કારણ હતું, તીખા તમતમતા બે સવાલ. વ્હાઈટ હાઉસમાં ઓવલ ઓફિસમાં ટ્રમ્પ અને સાઉદી ક્રાઉન પ્રિન્સની સંયુક્ત પત્રકાર પરિષદ હતી. જેમાં અમેરિકાની ABC ન્યૂઝની મહિલા પત્રકાર મેરી બ્રૂસે ટ્રમ્પને પૂછ્યું કે તમે રાષ્ટ્રપતિ છો. છતાં તમારો પરિવાર સાઉદી અરબમાં વ્યાપાર કરે છે. આ કેટલું ઉચિત છે? મેરી બ્રૂસે બીજો સવાલ મોહમ્મદ બીન સલમાનને કર્યો. તેમણે પૂછ્યું કે, અમેરિકી ઈન્ટલિજન્સ એજન્સીનો આરોપ છે કે તમે એક અમેરિકી પત્રકારની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. અમેરિકાની જનતા તમારા પર કેવી રીતે ભરોસો કરશે? આ સવાલ આવતાં જ ટ્રમ્પનો ચહેરો લાલચોળ થઈ ગયો. ટ્રમ્પે મહિલા પત્રકારને પૂછ્યું કે તું ક્યા મીડિયા માટે કામ કરે છે? મહિલા પત્રકારે કહ્યું કે ABC મીડિયા. ત્યારે ટ્રમ્પ બોલ્યા, મને લાગે છે કે તમે બેકાર, બકવાસ રિપોર્ટર છો. તમારી ABC કંપનીનું લાયસન્સ છીનવી લેવું જોઈએ. કારણ કે તમે ફેક ન્યૂઝ ચલાવો છો. પછી ટ્રમ્પે કહ્યું કે ખાશોગી દૂધે ધોયેલો નહોતો. તેની હત્યાની જાણકારી તો પ્રિન્સ સલમાનને હતી પણ નહિ. આ વાત અહિ પૂરી થાય છે… પછી બ્રૂસે એપસ્ટીન વિશે સવાલ કર્યો તો ટ્રમ્પ ફરી ભડકી ગયા. તેણે કહ્યું કે તમે સવાલ પૂછો છો, તેની સામે મને વાંધો નથી પણ તમારું વર્તન ખરાબ છે. માટે તમે હવે કોઈ સવાલ પૂછતા નહિ. 8 દાયકાની 3 ઘટનાએ સાઉદી- અમેરિકાના સંબંધો વણસ્યા 80 વર્ષના ઈતિહાસમાં એવી ત્રણ ઘટના બની છે જ્યારે સાઉદી અરબ અને અમેરિકાના સંબંધોમાં તિરાડ પડી હોય… હવે જાણી લો, પત્રકાર ખાશોગીની હત્યાનો કેસ શું હતો? એક સમયે સાઉદીના પત્રકાર જમાલ ખાશોગી સાઉદી શાહી પરિવારના ખૂબ જ નજીકના હતા અને તેમના સલાહકાર હતા. પછી તેમના સંબંધ ખરાબ થઈ ગયા હતા અને તે 2017માં અમેરિકા જઈને નિર્વાસનમાં રહેવા લાગ્યા. અમેરિકાથી જ તેઓ વોશિંગટન પોસ્ટમાં એક કોલમ લખતા હતા જેમાં તે સાઉદી ક્રાઉન પ્રિન્સની નીતિઓની ટીકા કરતા હતા. પોતાની પહેલી કોલમમાં ખાશોગીએ લખ્યું હતું કે તેમને એ વાતનો ડર હતો કે પ્રિન્સની ટીકા કરવાના કારણે તેમની ધરપકડ કરી શકાય છે. પછી થયું એવું કે 59 વર્ષના સાઉદી પત્રકાર ખાશોગી ઓક્ટોબર 2018માં ઇસ્તંબુલમાં સાઉદી વાણિજ્ય દૂતાવાસની ઓફિસ ગયા હતા. જ્યાં તેમને પોતાના વ્યક્તિગત ડોક્યુમેન્ટ લેવાના હતા. તે ડોક્યુમેન્ટના આધારે તે પોતાની તુર્કીની ફિયાન્સે હતીત જેંગ્ગિઝ સાથે લગ્ન કરી શકે. કથિત રીતે એવું માનવામાં આવી રહ્યું હતું કે ક્રાઉન પ્રિન્સના ભાઈ પ્રિન્સ ખાલિદ બિન સલમાને તેમને આશ્વાસન આપ્યું હતું કે તુર્કીમાં સાઉદી વાણિજ્ય દૂતાવાસમાં જવું ખૂબ જ સુરક્ષિત હશે. પ્રિન્સ ખાલિદ એ સમયે અમેરિકામાં સાઉદી અરબના રાજદૂત હતા. પછી ત્યાં જે થયું તે, ખાશોગી દૂતાવાસમાંથી ગાયબ થઈ ગયા. તેમની હત્યા કરાઈ હોવાના સમાચાર આવવા લાગ્યા. સાઉદી અરબના વકીલોએ ત્યારે કહ્યું હતું કે શરૂઆતના સંઘર્ષ પછી ખાશોગીને મોટા પ્રમાણમાં ડ્રગ્સ આપવામાં આવ્યું હતું અને ડ્રગ ઓવરડોઝના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ પછી તેમના મૃત શરીરના ટુકડા ટુકડા કરી બેગમાં પેક કરીને સાઉદી દૂતાવાસની બહાર કોન્ટ્રાક્ટરોને બેગ આપવામાં આવી જે ક્યાંક રણમાં દફન કરવામાં આવી હોઈ શકે. જોકે ખાશોગીનો મૃતદેહ આજ સુધી મળ્યો નથી.આ હત્યા પછી અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પર આરોપો લગાવ્યા હતા કે તેણે જ પત્રકાર ખાશોગીની હત્યા કરાવી છે. છેલ્લે, અમેરિકાના રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે. મે-2025માં ઓપરેશન સિંદૂર પછી ચીને નકલી માહિતી ફેલાવવાનું ષડયંત્ર ચલાવ્યું. ફેક એકાઉન્ટ્સ અને AIનો ઉપયોગ કરીને એવી તસવીરો રિલિઝ કરી કે જેમાં રાફેલને તૂટેલું બતાવાયું. જેથી તે પોતાનું J-35 વેચી શકે. ચીનનો આ ખોટી માહિતી ફેલાવવાનો હુમલો ગ્રે ઝોન એટેક સાબિત થયો. હવે વિચારો, AIનો આવો દુરૂપયોગ ભવિષ્યમાં યુદ્ધ કરાવી પણ શકે છે. આપણે બધાએ ચેતવાની જરૂર છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *