GCERT-DIET અધ્યાપકોનું સ્નેહમિલન; નવું સંઘ સંગઠન બન્યું:ગાંધીનગરમાં પડતર પ્રશ્નો અને ગુણવત્તા સુધારણા પર ચર્ચા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ગાંધીનગરના ચાણક્ય ભવન ખાતે 16મી તારીખે જીસીઈઆરટી (GCERT) અને ડાયટ (DIET)ના અધ્યાપકોનું સ્નેહમિલન યોજાયું હતું. આ પ્રસંગે એક નવગઠિત સંઘ સંગઠનની પણ રચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જીસીઈઆરટીના રીડર ડો. વિજયભાઈ પટેલ, રિસર્ચ એસોસિયેટ, ડાયટના પ્રાચાર્યશ્રીઓ અને મોટી સંખ્યામાં અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન શાળા ગુણવત્તા સુધારણામાં અધ્યાપકોની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, અધ્યાપકોના વહીવટી પડતર પ્રશ્નો જેવા કે સેવા જોડાણ, ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશન જેવા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. જીસીઈઆરટીના રીડર ડો. વિજયભાઈ પટેલે આ તમામ પ્રશ્નો અંગે જીસીઈઆરટી દ્વારા થઈ રહેલા પ્રયાસો અને શિક્ષણ વિભાગમાં તેની વર્તમાન સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ઉપસ્થિત અધ્યાપકોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. પડતર પ્રશ્નોના નિરાકરણ અને શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે સતત પ્રયાસો કરવાના હેતુથી ‘જીસીઈઆરટી ડાયટ કર્મચારી સંઘ’ની રચના કરવામાં આવી હતી. આ સંઘના હોદ્દેદારોની નિમણૂક લોકશાહી ઢબે અને સર્વાનુમતે કરવામાં આવી હતી. નવગઠિત સંઘમાં ગીર સોમનાથના પ્રાચાર્ય વી. એમ. પંપાણિયાને પ્રમુખ તરીકે, જીસીઈઆરટીના રીડર ડો. વિજયભાઈ પટેલને ઉપપ્રમુખ તરીકે, ડાયટ અમરેલીના ભરતભાઈ ડેરને મહામંત્રી તરીકે અને જીસીઈઆરટીના શ્રી ઈકબાલભાઈ વોરાને ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંગઠન મંત્રી તરીકે મનીષભાઈ પટેલ (દક્ષિણ ઝોન), જીભાઈ દેસાઈ (ઉત્તર ઝોન), કમલકુમાર પટેલ (મધ્ય ઝોન), ડો. ઝંખનાબેન ભટ્ટી (સૌરાષ્ટ્ર ઝોન 1) અને ડો. અલ્તાફભાઈ રાઠોડ (સૌરાષ્ટ્ર ઝોન 2)ની વરણી કરવામાં આવી હતી. મહિલા મંત્રી તરીકે ડો. પિનલબેન ગોરડીયા, આશાબેન રાજ્યગુરુ અને ડો. તૃપ્તિબેન પારેખની સર્વાનુમતે નિમણૂક થઈ હતી. આ ઉપરાંત, ડો. પંકજભાઈ મિસ્ત્રી, ડો. હિરેનભાઈ વ્યાસ, વિમલભાઈ દંગી, હર્ષદભાઈ પટેલ, વિપુલભાઈ વાજા, અખિલભાઇ ઠાકર અને ડો. ભરતભાઈ અગ્રવાલને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *