Gir Somnath: ભૂંડ ભગાડવા મૂકેલા વીજ કરંટથી સિંહનું મોત, ગીરનો રાજા માનવ લાલચનો ભોગ બન્યો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કોડીનાર તાલુકાના કાજ ગામેથી વન્યજીવ પ્રેમીઓને હચમચાવી દેતી એક દુખદ ઘટના સામે આવી છે. ખેતરમાં પાકના રક્ષણ માટે મૂકવામાં આવેલા ગેરકાયદેસર વીજ કરંટના કારણે એક 3 થી 4 વર્ષના યુવાન સિંહનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાએ ગીરના સાવજોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

વીજ કરંટના કારણે સિંહનું મોત

મળતી માહિતી મુજબ, આ ઘટના અંદાજે ચાર દિવસ અગાઉ બની હતી, પરંતુ વન વિભાગને જાણ થતાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. શરૂઆતમાં વાડી માલિક માનસિંગ ઝાલાએ આ બાબતે અજાણ હોવાનો ઢોંગ કર્યો હતો અને ગુનો નકાર્યો હતો. જોકે, વન વિભાગની આકરી પૂછપરછ અને વૈજ્ઞાનિક પુરાવાઓ સામે આવતા અંતે માનસિંગે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

જંગલી ભૂંડ અને નીલગાય પાકને નુકસાન કરતા 

આરોપી ખેડૂતે વન વિભાગ સમક્ષ કબૂલાત કરી હતી કે ખેતરમાં વારંવાર જંગલી ભૂંડ અને નીલગાય પાકને નુકસાન કરતા હતા. વન્ય પ્રાણીઓના ત્રાસથી બચવા માટે તેણે વાડીની ફરતે ગેરકાયદેસર વીજ પ્રવાહ (Electric Fencing) ચાલુ કર્યો હતો. દુર્ભાગ્યવશ આ વીજ પ્રવાહની ઝપેટમાં એક યુવાન સિંહ આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

તંત્રની કાર્યવાહી અને જેલવાસ

DCF પ્રશાંત તોમરે આ ઘટનાની પુષ્ટિ કરી છે. વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરીને આરોપી માનસિંગ ઝાલાની ધરપકડ કરી હતી. આરોપીને કોડીનાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે, અને હાલ આરોપીને જૂનાગઢ જેલના હવાલે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: જમાલપુરમાં માનવતા શર્મસાર, 7 વર્ષના માસૂમ સાથે 21 વર્ષના યુવકે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *