Gir Somnath: સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલું 'છોટા હાથી' ખાડામાં ખાબક્યું

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

મહાશિવરાત્રીના પાવન પર્વે જ્યારે લાખો ભક્તો શિવભક્તિમાં લીન છે, ત્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. કોડીનારના માઢવાડ ગામથી સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહેલા ખારવા સમુદાયના શ્રદ્ધાળુઓનું વાહન અકસ્માતનો ભોગ બન્યું છે.

શ્રદ્ધાળુઓનું વાહન અકસ્માતનો ભોગ બન્યું

મળતી માહિતી મુજબ, કોડીનારના માઢવાડ ગામેથી ખારવા સમુદાયના લોકો મહાશિવરાત્રી નિમિત્તે ભાડે વાહન (છોટા હાથી) બાંધીને સોમનાથ મહાદેવના દર્શનાર્થે નીકળ્યા હતા. સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર વડોદરા ગામના પાટિયા પાસે આવેલા એસ્સાર (ESSAR) પેટ્રોલ પંપ નજીક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા પેસેન્જર ભરેલું આ વાહન રોડની સાઈડમાં આવેલા ઉંડા ખાડામાં ખાબક્યું હતું.

13 મુસાફરો ઈજાગ્રસ્ત, 2ની હાલત નાજુક

આ ગંભીર અકસ્માતમાં વાહનમાં સવાર 13 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જે પૈકી 2 મુસાફરોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કોડીનારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ બચાવ કામગીરીમાં મદદ કરી હતી.

CCTV ફૂટેજ આવ્યા સામે

અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં વાહન પલટી ખાતું સ્પષ્ટ જોઈ શકાય છે. ઘટનાની જાણ થતા જ સુત્રાપાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે CCTV ફૂટેજ કબજે કરી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: ડિંડોલી પોલીસે વાહન ચોરીના ગુનામાં એક આરોપીને ઝડપી લીધો, પોલીસે ટેમ્પો અને બાઇક રિકવર કર્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *