Godhra:સહિત પંચમહાલ જિલ્લામાં ઉતરાયણ પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ઉતરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી હોઈ ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં પતંગ અને દોરાના સ્ટોલ લાગી ગયા છે, માંજો સુતનારા કારીગરોને ત્યાં ધીમે ધીમે ભીડ જામવા લાગી છે, બજારમાં અવનવી ડિઝાઈનની પતંગો સાથે સ્ટોલ સજી ગયા છે. પરંતુ ગત વર્ષ કરતાં પતંગ અને દોરાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો જોવા મળતાં ઘરાકી ઓછી હોવાનો મત વેપારીઓ જણાવી રહ્યા છે.

બાળકો, યુવાઓથી લઈ સૌનો મનગમતો તહેવાર એટલે મકરસંક્રાંતિ, આ પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં પતંગ દોરા ના રસિયાઓ માટે બજારો વેપારીઓ ધ્વારા સજ્જ કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે બજારોમાં પતંગોમાં જોવા જઈએ તો ચીલ, ખંભાતી, પંજાબી, વેલકમ-2026, પુષ્પા, ઓપરેશન સિંદૂર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળી પતંગો બજારોમાં ભારે ધૂમ મચાવી રહી છે. જ્યારે દોરા માજામાં સુરતી માંજો, બરેલી, સાંઈ માંજો સાથે અનેક દોરાની નવીન બ્રાન્ડ પતંગ દોરાના બજારમાં ઉપલબ્ધ છે. ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં વેપારીઓએ પતંગ દોરાથી દુકાનો સજ્જ કરી દીધી છે. નાના છૂટક વ્યવસાય કરતા ગરીબ પરિવારો અત્યારથી જ વિવિધ પ્રકારના બલૂન વેચાણ કરતાં નજરે પડી રહ્યા છે.

પતંગ અને દોરામાં ગત વર્ષ કરતાં 20થી 30 ટકાનો વધારો

જો કે, હજી સુધી ઘરાકી નહીં નીકળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે મોંઘવારી વધુ હોવાના કારણે પતંગ દોરાના ભાવમાં ગત વર્ષ કરતાં 20 થી 30 % નો વધારો જોવા મળે છે. હાલ તો પતંગ અને દોરાના માર્કેટમાં ભારે મંદી જોવા મળી રહી છે. ઘરાકી નહીં નીકળતા વેપારીઓ નિરાશ જોવા મળે છે. પરંતુ ઉતરાયણ પર્વ નજીક આવતા શનિ-રવિની રજા અને ત્યારબાદના દિવસોમાં ઘરાકી નીકળશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.

ઉત્તરાયણ પર્વે પોલીસની નાગરિકોને સાવચેત રહેવા અપીલ

ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને કાંકણપુર પોલીસે જાહેર જનતા માટે એક માર્ગદર્શક સંદેશ જારી કર્યો છે. પોલીસે નાગરિકોને જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ટાળવા અપીલ કરી છે, સાથે આવી પ્રતિબંધિત વસ્તુનું વેચાણ કે ઉપયોગ કરતું જણાય, તો જાગૃત નાગરિકોને કાંકણપુર પોલીસ સ્ટેશનને જાણ કરવા વિનંતી કરાઈ છે. વાહનચાલકો અને વાલીઓને સાવચેત રહેવા, બાઈક ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અને ગળામાં રૂમાલ બાંધવાની સલાહ આપી છે. પ્રતિબંધિત દોરીના વેચાણ અંગેની માહિતી 112 હેલ્પલાઇન નંબર પર આપી શકે છે.

તલ અને સિંગની ચીકી અને લાડુ સહિત ઊંધિયા – જલેબીની તૈયારી

ઘરે ઘરે હાલ તલની ચિક્કી, તલના લાડુ, શિંગ ચિક્કી, મમરાના લાડુની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળે છે. ઊંધિયા,જલેબીની પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સાથે બોર, ચિક્કી, શેરડીની પણ માંગ વધતી હોઈ શહેરમાં તેની પણ આવક પણ વેપારીઓએ શરૂ કરી દીધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *